સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ગરીબ ભાઇ-બહેનને છેતરીને ભેજાબાજ રૃપિયા લઇને ફરાર
બહેનની સારવાર માટે ભાઇ પાંચ હજાર રૃપિયા વ્યાજે લઇને આવ્યો હતો
વડોદરાતા,19,જાન્યુઆરી,2020,,રવિવાર
સયાજી હોસ્પિટલમાં સારવાર માટે વ્યાજે રૃપિયા લઇને મધ્યપ્રદેશના ગામડેથી આવનાર ગરીબ ભાઇ-બહેનને સિક્યુરિટી જવાનનો સ્વાંગ રચી ઠગ છેતરી ગયો હતો અને ૪૫૦૦ રૃપિયા પડાવી લીધા હતા. જે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ગુડભેલી ગામમાં રહેતો શ્યામલાલ નાનુરામજી દાંગી ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની બહેન રાજકુંવર (ઉ.વ.૨૫)ને ડાબા કાનમાં છેલ્લા ત્રણ મહિનાથી દુખાવો થતો હતો. શરૃઆતમાં નાગદાની ખાનગી હોસ્પિટલમા સારવાર કરાવી હતી. રંતુ ડોકટરે ડાબા કાનના પડદામાં કાંણુ પડયુ હોય તેની સારવારનો ખર્ચ પચ્ચીસ હજાર રૃપિયા જણાવ્યો હતો. પરંતુ ગરીબ પરિવારની તાકાત ન હોય ભાઇ-બહેન બંન્ને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ગત ૩જી જાન્યુઆરીએ આવ્યા હતા. ઓ.પી.ડી.૧૫માં ડોકટરને બતાવતા ડોકટરે કાનનું ઓપરેશન કરવાની સલાહ આપી હતી. કેસ પેપરમાં વિગતો લખીને રિપોર્ટ કઢાવી લાવવા કીધુ હતું. જેથી ભાઇ-બહેન ઓ.પી.ડી. ૭, ૮, ૨૩ અને ૨૪માં એક્ષ-રેઇસીજી અને સોનોગ્રાફી કરાવવા ગયા હતા. ઓ.પી.ડી. ૭ પાસે એક ઠગ તેમને મળી ગયો હતો. મારૃ નામ સલિમ મલેક છે. હું સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટીમાં નોકરી કરૃ છું. બહારથી આવતા અજાણ્યા દર્દીઓને મદદ કરૃ છું. તમારી બહેનના કાનની સારવાર હું ડોકટર સાહેબને કહીને ઝડપથી કરાવી ઓપરેશન તારીખ પણ વહેલી અપાવી દઇશ. તેવું કહીને ઠગે ભાઇ-બહેનનો વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ ઓપડી-૧૫માં યુવતી સાથે રિપોર્ટ લઇને ડોકટરને મળવા પણ ગયો હતો. થોડીવાર પછી બહાર નીકળીને સલિમે એક ચિઠ્ઠી આપી હતી. જેમાં ૪૫૦૦ રૃપિયા અને દવા લખી હતી. જે કાગળ બતાવીને ઠગ દર્દી પાસેથી ૪૫૦૦ રૃપિયા લઇને દવા લેવાના બહાને જતો રહ્યો હતો અને પરત ફર્યો જ ન હતો. સલિમ મલેક પરત નહી આવતા ભાઇ-બહેન બંન્ને સિક્યુરિટી હેડ અંકુરભાઇને મળ્યા હતા. અંકુરભાઇએ આવી કોઇ વ્યક્તિ સિક્યુરિટીમાં નહી હોવાનું જણાવ્યું હતું.
ઉપરોક્ત ફરિયાદ અંગે રાવપુરા પોલીસે ગુનો નોંધી ગરીબ દર્દીના રૃપિયા પડાવી જનાર ઠગની શોધખોળ હાથ ધરી છે.