વડોદરા,તા,20,જાન્યુઆરી,2020,સોમવાર
મધ્યપ્રદેશથી સારવાર કરાવવા માટે સયાજી હોસ્પિટલમાં આવેલા ગરીબ દર્દીને છેતરીને પાંચ હજાર રૃપિયા પડાવી લેનાર ઠગને રાવપુરા પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ગુડભેલી ગામમાં રહેતો શ્યામલાલ નાનુરામજી દાંગી તેની બહેન રાજકુંવરને લઈને કાનની ટ્રીટમેન્ટ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવ્યો હતો. બહેનની સારવાર માટે તેને પાંચ હજાર રૃપિયા વ્યાજ પર લીધા હતા.
સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી જવાનની ઓળખ આપીને સલિમ મલેક નામનો ઠગ મદદ કરવાના બહાને ૪૫૦૦ રૃપિયા પડાવીને જતો રહ્યો હતો. જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ જે.ડી.મીર દ્વારા સયાજી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરાના આધારે આરોપીનો ચહેરો સિક્યુરિટી જવાનોનો બતાવ્યો હતો. ગઇકાલે ફરીથી આ ઠગ કોઈ ગરીબ દર્દીને ફસાવવાના ઈરાદે સયાજી હોસ્પિટલમાં આવ્યો હતો. જેને રાવપુરા પોલીસે ઝડપી લીધો હતો. આરોપી સલિમ ઈબ્રાહીમભાઈ મલેક (રહે. ઈન્દિરાનગર વાંકાનેર ગામ તા.સાવલી) પાસેથી પોલીસે ત્રણહજાર રૃપિયા રિકવર કર્યા છે. પોલીસ તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે સલિમ મલેક બિમાર માતાની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં અવારનવાર આવતો હતો. જેથી હોસ્પિટલનો સિક્યુરીટી સ્ટાફ તેના પરિચયમાં હતો તેનો ગેરલાભ તે ઉઠાવતો હતો.


