ચારધામ યાત્રાના પેકેજમાં ગત વર્ષ કરતાં ૨૫ ટકાનો વધારો
-૨૨ એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ
-ગુજરાતમાંથી ૫૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ જશે : કેદારનાથ માટે હેલિકોપ્ટર ભાડું રૃ. ૬૨ હજાર
અમદાવાદ,મંગળવાર
આગામી ૨૨ એપ્રિલના
અખા ત્રીજ છે અને ત્યારથી ચારધામ યાત્રાનો પણ પ્રારંભ થશે. ચારધામ યાત્રાના પેકેજમાં
ગત વર્ષની સરખામણીએ ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.
દેશ-વિદેશમાંથી
૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ વખતે ચારધામની યાત્રા કરવા માટે આવે તેવી સંભાવના છે. અત્યારસુધી
૧૪.૫૦ લાખ શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. જેમાં કેદારનાથમાં ૩.૪૦ લાખ, બદ્રીનાથમાં
૨.૯૨ લાખ, યમુનોત્રી માટે ૧.૫૨લાખ અને ગંગોત્રી માટે ૧.૭૭ લાખથી વધુ રજીસ્ટ્રેશન થઇ
ચૂક્યા છે. આ વર્ષે ગુજરાતમાંથી અંદાજે ૫૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ
જાય તેવી સંભાવના છે. ચાર ધામ યાત્રાને પગલે દિલ્હી, હરિદ્વાર માટેની ટ્રેનના વેઇટિંગ
પણ ૨૦૦ને પાર જોવા મળી રહ્યા છે.
ચાર ધામની યાત્રાના
પેકેજ રૃપિયા ૩૫ હજાર શરૃ થાય છે. આમ, ગત વર્ષની સરખામણીએ ચાર ધામની યાત્રાના પેકેજમાં
૨૫ ટકાનો વધારો નોંધાયો છે. કેદારનાથમાં હેલિકોપ્ટરની યાત્રામાં જવા માટેનું ભાડું
૨૫ ટકા વધીને ૬૨ હજાર થઇ ગયું છે. ટૂર ઓપરેટર આલાપ મોદીએ જણાવ્યું કે, 'ગત વર્ષની જેમ
આ વખતે પણ ચાર ધામની યાત્રા માટે ગુજરાતમાંથી ખૂબ જ ધસારો છે. કેદારનાથ યાત્રા માટે
હેલિકોપ્ટરની બૂકિંગ સાઇટમાં અનિયમિતતાથી શ્રદ્ધાળુઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી
રહ્યો છે. '
શ્રદ્ધાળુઓ માટે
રજીસ્ટ્રેશન ફરજીયાત
ચારધામની યાત્રા
અગાઉ શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. આ રજીસ્ટ્રેશન વેબસાઇટ, મોબાઇલ એપ, વોટ્સ
એપ અને ટોલ ફ્રી નંબરથી થઇ શકે ચે. રજીસ્ટ્રેશનની ચકાસણી ઉત્તરાખંડમાં વ્યવસ્થા કરાઇ
છે. રિસ્ટ બેન્ડ અને ફિઝિકલ રજીસ્ટ્રેશનની એક કોપી માન્ય ગણાશે. મોબાઇલ ક્યુઆર કોડ
સ્કેન કરીને પણ રજીસ્ટ્રેશનની ચકાસણી કરી શકાશે.