ચાંગોદર વસાહતમાં છાશવારે વીજ પુરવઠો ઠપ થતાં ઉત્પાદકો ત્રસ્ત
અઠવાડિયામાં ત્રણ દિવસ વીજપુરવઠો ખોરવાઈ જતાં પ્રોડક્શનના શિડયુલ પર પડતી અસર
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
અમદાવાદ નજીક આવેલી ચાંગોદર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને આપવામાં આવતો વીજ પુરવઠો અઠવાડિયામાં ત્રણેક દિવસ દોઢથી ત્રણ કલાક માટે અટકી જતો હોવાથી આ ઔદ્યોગિક વસાહતના ૨૫૦૦ જેટલા એકમોની હાલાકી વધી રહી છે. આ મુદ્દે ઉત્તર ગુજરાત વીજ કંપનીને ફરિયાદ કરવામાં આવતી હોવા છતાંય તેમને નિયમિત ક્વોલિટી પાવર સપ્લાય મળે તે માટે કાોઈ જ પગલાં ન લેવાતા હોવાની ફરિયાદ થઈ છે.
ચાંગોદર ઔદ્યોગિક વસાહતના ઉત્પાદકોનું કહેવું છે કે આજે પણ સાંજે છ વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ અંગે ફરિયાદ કરવામાં આવી તો સાંજે ૬.૧૪ કલાકે તેમને મેસેજ મોકલી આપવામાં આવ્યો હતો કે વીજળી સપ્લાય અટકાવવામાં આવ્યો છે. આ અંગે ફોન કરીને ફરિયાદ કરવામાં આવે તો તેમારી ફરિયાદ ૧૯૧૨૧ નંબર પર લખાવી દેવાની સૂચના અપાય છે. આ ફરિયાદ લખાવ્યા પછીય કોઈ પ્રતિભાવ ન મળતો હોવાની ઔદ્યોગિક વસાહતના એકમોની ફરિયાદ છે. તેમ જ મેઈલ પર ફરિયાદ મોકલવામાં આવે તો તે જોવામાં પણ આવતી ન હોવાનું ઔદ્યોગિક એકમના માલિકોનું કહેવું છે.
ચાંગોદરની ઔદ્યોગિક વસાહતના રસ્તાઓ પણ બહુ જ ખરાબ હોવાની ફરિયાદ છે, પરંતુ તેના નિવારણ માટે પણ કોઈ જ પગલાં ન લેવાતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.