mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ બુકી ઝડપાયા

લાઇવ મેચ પર સટ્ટો બુક કરતા હતા

અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરના યુવક પ્રેક્ષક બનીને સટ્ટો રમતા હતાઃ ચાંદખેડા પોલીસને સટ્ટો બુક કરનાર સટ્ટોડિયાઓના નામ મળ્યા

Updated: Apr 1st, 2024

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ બુકી ઝડપાયા 1 - image

અમદાવાદ,સોમવાર

આઇપીએલની મેચમાં બુકીઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં સટ્ટો રમાડવામાં આવે છે. પરંતુ, સ્ટેડિમયમાં રમવામાં આવતી મેચ અને લાઇવ પ્રસારણ વચ્ચે સાત સેકન્ડનો ફરક હોવાથી આ સમયમાં  બુક થતા સટ્ટામાં બુકીઓને સૌથી વધારે કમાણી થતી હોય છે. જેથી સ્ટેડિયમમા જ લાઇવ મેચ દરમિયાન સટ્ટો રમાડતા બુકીઓ મોટા પ્રમાણમાં સ્ટેડિયમમાં પ્રેક્ષક બનીને આવતા હોય છે. ચાંદખેડા પોલીસે મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં લાઇવ મેચ પર સટ્ટો બુક કરતા ત્રણ યુવાનોને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન પોલીસને સટ્ટો બુક કરાવતા અનેક લોકોના નામ પણ જાણવા મળ્યા હતા. અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહેલી મેચમાં લાઇવ સટ્ટો રમાડતા અનેક બુકીઓ સક્રિય હોવાની માહિતી ચાંદખેડા પોલીસને મળી હતી. જેથી સ્ટેડિયમની અંદર પોલીસ સ્ટાફને પ્રેક્ષક તરીકે બેસાડીને તપાસ કરવામાં આવી હતી. જેમાં ત્રણ બુકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં  અપર લેવલના એમ બ્લોકમાં પ્રેક્ષક તરીકે આવેલો એક યુવક મોબાઇલમાં શંકાસ્પદ રીતે કોઇ સાઇટ પર કામ કરતો હતો.જેથી શંકાને આધારે તપાસ કરતા તે એક સાઇટમાં લોગઇન કરીને સટ્ટો બુક કરાવી રહ્યો હતો. પુછપરછમાં યુવકનું નામ પ્રિયાંક દરજી (રહે. એશ્વર્યા વિભાગ-૨,શોપીંગ સેન્ટર પાસે, સેક્ટર-૧૯, ગાંધીનગર) હોવાનું જાણવા મળ્યું હતું.  સટ્ટો બુક કરવા માટે તેણે  વિશાલ નામના વ્યક્તિ પાસેથી આઇડી મેળવ્યું હતું. વિશાલ સાથે તેનો સંપર્ક સોશિયલ મિડીયા દ્વારા થયો હતો.  આ ઉપરાંતઅપર લેવલના એન બ્લોકમાં શુભમ પરમાર (રહે.પરમેશ્વર વિભાગ-૧, માનસરોવર રોડ, ચાંદખેડા)ને પણ  સટ્ટો બુક કરતા ઝડપી લીધો હતો. આઇપીએલ પર સટ્ટો બુક કરવા માટે તેણે લોગઇન આઇડી ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા એક વ્યક્તિ પાસેથી લીધા હતા. તેમજ પોલીસે પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેઠેલા દિપક મોહનાની (રહે.મહાવીરનગર, હિંમતનગર)ને ઝડપી લીધો હતો. તેણે ડીસામાં રહેતા રાજેશ મહેશ્વરી નામના બુકી પાસેથી બે માસ્ટર આઇડી લીધા હતા. આ બંને માસ્ટર આઇડીને આધારે અન્ય લોકોને પણ લોગઇન આઇડી આપ્યા  હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ એન જી સોલંકીએ જણાવ્યું કે અમે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા મોબાઇલમાંથી મળેલા ડેટાને આધારે સમગ્ર નેટવર્ક અંગે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં ક્રિકેટ સટ્ટાને લગતી અનેક મહત્વની વિગતો બહાર આવશે.

Gujarat