પોલીસનું અદાલતમાં સોગંદનામું... 'એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝ'ના માલિકોની બેદરકારીથી ૬ કામદારોના મોત
કંપનીના ચેરમેન- ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી સામે પોલીસે સોગંદનામું રજૂ કર્યું
વડોદરા,તા,17,જાન્યુઆરી,2020,શુક્રવાર
પાદરા નજીકના ગવાસદ ગામે આવેલી એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝના માલિક અને ડાયરેક્ટરે કામદારોને સલામતીના સાધનો પૂરા પાડયા ન હતા. માલિકની ઘોર બેદરકારી અને નિષ્કાળજીના કારણે છ ગરીબ કામદારોના મોત નીપજતા છ પરિવારે ઘરના મોભીને ગુમાવ્યા છે. આ કેસમાં કંપનીના માલિક અને ડાયરેક્ટરને આગોતરા જામીન નહી આપવા માટે પોલીસે અદાલત સમક્ષ રજૂઆત કરી છે.
એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝ પ્રા.લિ. કંપનીમાં ગત ૧૧ મી જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે થયેલા બ્લાસ્ટમાં છ કામદારોના કરૃણ મોત નીપજ્યા હતાં જ્યારે ચાર કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતાં જે અંગે વડુ પોલીસ મથકના કંપનીના માલિક, ડાયરેક્ટર અને અધિકારીઓ વિરૃધ્ધ ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં આગોતરા જામીન મેળવવા કંપનીના માલિક સિદ્ધાર્થ અશોકભાઇ પટેલ અને તેમના ડાયરેક્ટર પુત્ર શ્વાતાંશુએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. પોલીસ અને સરકારી વકીલ રજૂઆત કરી હતી કે, સ્થળ તપાસ દરમિયાન કંપનીના માલિકે તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા કંપનીના કામદારોની સલામતી બાબતે કોઇ લક્ષ આપવામાં આવ્યું નથી. એક્સપ્લોઝીવ લાયસન્સ બાબતે તપાસ કરતાં કંપની સંચાલક પાસે હાઇડ્રોજન ફિલિંગ કરવાનું લાયસન્સ નહતું. તેમછતાંય ગેરકાયદે ફિલિંગ કરાવતા હતા. કામદારોને ગેસ ફિલિંગ કરવાની તેમજ પ્રેશર ચેક કરવાની ટ્રેનીંગ અપઇ ન હતી. સુપરવિઝન માટે યોગ્ય લાયકાતવાળા સુપરવાઇઝર પ્લાન્ટ મેનેજર પણ રાખ્યા ન હતાં. આરોપીઓએ ખૂન ન ગણાય તેવો મનુષ્ય વધનો ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે.