પ્રોફેસરના મકાનમાં ચડ્ડી બનિયનધારી ટોળકી ત્રાટકી
છ માંથી બે સીસી ટીવીના વાયર કાપી નાંખ્યા હતા : ફૂટેજના આધારે તપાસ
વડોદરા, તા,10,ઓક્ટોબર,2020,શનિવાર
બીમાર પત્નીની સારવાર માટે પત્ની સાથે હોસ્પિટલમાંજ રહેતા પોલિટેકનિકના પ્રોફેસરના બંધ મકાનને ચોર ટોળકીએ નિશાન બનાવી ૧૫ હજાર રોકડા રૃપિયાની ચોરી કરી હતી.
માંજલપુર શિવાલય કોમ્પ્લેક્સ પાસે શંકરબાગ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ મનુભાઈ ભાવસાર એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિકમાં પ્રોફેસર છે. તેમના પત્ની બિમાર હોય ૧૦ દિવસથી સ્ટર્લીંગ હોસ્પિટલમાં દાખલ હતા. પ્રફેસર પણ પત્ની સાથે હોસ્પિટલમાંજ રોકાતા હતા. તે દરમિયાન ચોર ટોળકી મુખ્ય દરવાજાની આગળની જાળીનું લોક તોડીને રોકડા ૧૫ હજાર રૃપિયા ચોરી ગઈ હતી.
પ્રોફેસરના ઘરે લગાવેલ ૬ સીસીટીવી કેમેરા પૈકી બે કેમેરાના વાયર ચોરોએ કાપી નાંખ્યા હતા. જ્યારે ચાર કેમેરા ચાલુ હતા. સીસીટીવીના ફૂટેજ જોતા ચાર આરોપીઓ ચડ્ડી બનીયનધારી હોવાનું જણાઈ આવ્યું છે. ફૂટેજના આધારે માંજલપુર પોલીસે ચડ્ડી બનીયનધારી ગેંગની શોધખોળ શરૃ કરી છે.