2019-20માં ગુજરાતને જીએસટી વળતર પેટે કેન્દ્ર 14800 કરોડ આપ્યા
- ગુજરાતની GSTની ખૂટતી આવક કેન્દ્રએ સરભર કરી
- 2019-20ના વર્ષમાં ગુજરાતનીં જીએસટીની આવક 69700 કરોડ : ટાર્ગેટમાં 4500 કરોડનું ગાબડું
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 27 જુલાઇ, 2020, સોમવાર
કેન્દ્ર સરકારે ગુજરાતને 2019-20ના નાણાંકીય વર્ષમાં એટલે કે માર્ચ 2020માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વળતર પેટે રૂા. 1034 કરોડની ચૂકવણી કરી છે. આમ સમગ્ર 2019-20ના વર્ષ દરમિયાન ગુજરાતને જીએસટીના વળતર પેટે રૂા.14,800 ચૂકવવામાં આવ્યા છે.
2017ની પહેલી જુલાઈએ જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો તે પૂર્વે કેન્દ્ર સરકારે જીએસટીના અમલીકરણથી દરેક રાજ્યને જનારી 14 ટકા વધારા સાથેની આવકમાં પડનારી ઘટ કરવાની કાયદેસરની જવાબદારી કેન્દ્ર સરકારે સ્વીકારી હતી.
આ જવાબદારીના ભાગરૂપે જ માર્ચ 2020ના એક મહિનાના ગાળા માટે દેશના દરેક રાજ્યને મળીને રૂા.1,65,302 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ભારતમાં 5, 12, 18 અને 28 ટકા જીએસટીનો રેટ છે.
લક્ઝરી આઈટેમ પર લેવામાં આવતા 28 ટકા જીએસટી ઉપરાંત સેસ પણ લેવામાં આવે છે. આ સેસ પેટે સરકારને રૂા. 95,444 કરોડની આવક થઈ છે. આ સેસની આવકનો કેટલોક હિસ્સો પણ રાજ્યોને જીએસટીની આવકમાં પડેલી ઘટના નાણાં ચૂકવવા માટે કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને ર019-20ના નાણાંકીય વર્ષમાં રૂા. 14,800 કરોડ જીએસટીની આવકમાં પડેલી ઘટના વળતર તરીકે ચૂકવ્યા છે. 2019-20ના વર્ષમાં રૂા.73,500 કરોડની આવકનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ ટાર્ગેટની સામે રૂા. 69,700 કરોડની જ આવક થઈ હતી. 2018-19ના વર્ષમાં ગુજરાતની જીએસટીની કુલ આવક રૂા. 67,404 કરોડની થઈ હતી.