વડોદરા: સયાજીબાગ સંકલ્પ ભૂમિ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી
વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર
વડોદરા શહેરનાં વિવિધ સંગઠનો દ્વારા આજે 23મી સપ્ટેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્થળ પર શહેર ભાજપ એસ.સી. મોરચા દ્વારા પુષ્પાંજલી અર્પિને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહયા હતા.
દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી. વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1917ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરએ કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ. ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. ત્યારે આજના દિવસે તેમને કરેલા કાર્યોને યાદ કરતાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ, શહેર મહામંત્રી સવારથી જ કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત મહેમાનોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરશે. શહેર એસ.સી. મોરચાના હોદ્દેદારો કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોનામાં મોત થયા હોય તેમના પરિવારને 50,000 આપવા અંગે જણાવ્યું હતું કે આ વિષય મારા ક્ષેત્રની બહારનો છે. ઉપરાંત પાટણમાં અંધશ્રધ્ધાની ઘટના બની છે તે અંગે જણાવ્યું હતું કે આ યોગ્ય નથી. આવી ઘટનાઓને અમે વખોડીએ છીએ રાજ્ય સરકાર આ મામલે ગંભીરતાથી વિચારી રહ્યું છે અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે.