વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવીને ગંદકી ન કરે તે માટે તમામ પૂલો પર કેમેરા ગોઠવાશે
નદીમાં કચરો ઠાલવનારનો વિડિયો વાયરલ કરી જાગૃતિ દાખવનારનું કોર્પોરેશન સન્માન કરશે
વડોદરા,તા,10,જાન્યુઆરી,2010,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત સફાઇ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે જે અંતર્ગત ખાસતો વિશ્વામિત્રી નદીમાં કોઇ ગંદકી અને કચરો ન ઠાલવે તે માટે સીસીટીવી કેમેરા ગોઠવવાનું નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવશે.
શહેરના અટલાદરા વિસ્તારમાં ત્રણ દિવસ નદીમાં પ્લાસ્ટિકના થેલા ભરીને કચરો ઠાલવીને ગંદકી ફેલાવવામાં આવતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો. સમા વિસ્તારના વસીમ નામના શખ્સે નદીમાં કચરો ઠાલવતા લોકોને રોક્યા હતા, પરંતુ તેની પરવા કર્યા વિના નદીમાં બિનધાસ્ત કચરો નાખતા તેનો વિડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. જેના પરિણામે ટેમ્પા ચાલક સુધી પહોંચીને રૃા.૧ લાખ દંડ વસૂલ કર્યો હતો. એક શહેરીજને આ રીતે જાગૃતિ દાખવતા વડોદરા કોર્પોરેશને તેમની કદર સ્વરૃપે તા.૨૬મીએ સન્માન કરવાનું પણ વિચાર્યું હોવાનું જાણવા મળે છે. આમ કરવાથી શહેરીજનોને નદીમાં ગંદકી નહી ફેલાવવાની શીખ મળશે તેમજ કોઈ ગંદકી કરતું હશે તો વિડિયો ઉતારી તે કોર્પોરેશનને મોકલી આપવાની જાગૃતિ દાખવતો પણ થઈ જશે.
નાગરવાડા બ્રિજ પરથી નદીમાં હજી પણ ગ્રીલ ઉપરથી કચરો ભરેલી કોથળીઓ ફંગોળીને નદીમાં નાંખવામાં આવે છે. પરંતુ ત્યાં સીસીટીવી કેમેરા નથી. કોર્પોરેશન આ બ્રિજના બંને છેડા પર કેમેરા ટૂંક સમયમાં ચાલુ કરશે અને નદીમાં કચરો ઠાલવનારને ઝડપી પાડશે. વિશ્વામિત્રી નદી પર જેટલા પણ બ્રિજ આવેલા છે. તે તમામ પર સીસીટીવી કેમેરા મૂકી દેવાશે અને ગંદકી કરનારા લોકોને પકડી દંડિત કરાશે. ટૂંક સમયમાં કેમેરા મૂકવાની કામગીરી પૂર્ણ કરાશે.