જનરલ કેટેગરી જેટલું મેરિટ હોય તો જાતિના પ્રમાણપત્રની જરૃર નથી
અનામત વર્ગના ઉમેદવારો માટે હાઇકોર્ટનો આદેશ
છે. નર્સની ભરતીમાં જાતિનું પ્રમાણપત્ર ન દર્શાવી શકવાના કારણે ભરતી રદ થવાથી પિટિશન કરાઇ હતી
અમદાવાદ,
બુધવાર
ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે સરકારી ભરતીમાં અનામત વર્ગના ઉમેદવારને જનરલ કેટેગરી જેટલું મેરિટ મેળવે અને જનરલ કેટેગરીમાં પસંદગી થાય તો તેને જાતિનું પ્રમાણપત્ર દર્શાવવાની જરૃર નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પરેશનની નર્સની ભરતીમાં જનરલ કેટેગરી જેટલું મેળવી જનરલ કેટેગરીમાં સ્થાન પામનારા પરંતુ જાતિનું પ્રમાણપત્ર ન દર્શાવી શકવાના કારણે ભરતી રદ કરતા કોર્ટમાં પિટિશન કરાઇ હતી. કોર્ટે અરજદારની પિટિશન મંજૂર કરી આ આદેશ આપ્યો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી નર્સની
ભરતીમાં અરજદાર ઉમેદવારે એસ.ઇ.બી.સી. (સામાજિક અને આર્થિક પછાત)ની અનામત બેઠકો
માટે અરજી કરી હતી અને પરીક્ષા આપી હતી.
માર્ચ-૨૦૨૦માં જાહેર થયેલા મેરિટમાં તેમણે જનરલ કેટેગરી જેટલું મેરિટ મેળવ્યું
હતું અને ઉંચા માર્કસના કારણે તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળ્યું હતું. જો કે
રાજ્ય સરકાર દ્વારા જારી થતું એસ.ઇ.બી.સી. કેટેગરીનું જાતિ પ્રમાણપત્ર દર્શાવી ન
શકતા ભરતી રદ કરાઇ હતી. જેની સામે હાઇકોર્ટમાં પિટિશન દ્વારા રજૂઆત કરવામાં આવી
હતી કે તેને વધુ માર્ક આવ્યા હોવાથી તેની ગણના જનરલ કેટેગરીના ઉમેદવાર તરીકે જ થવી
જોઇએ, આ અંગે
સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ પણ રજૂ કરાયા હતા. કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત
સાંભળી અરજદાર ઉમેદવાર પાસે જાતિનું પ્રમાણપત્ર માગ્યા વગર તેની ભરતી પ્રક્રિયા
હાથ ધરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો છે.