Get The App

છ વર્ષથી જૂના મકાન વેચાણો પર સરકાર સ્ટેમ્પ ડયૂટી વસૂલી શકે નહીં

Updated: Aug 2nd, 2021

GS TEAM


Google News
Google News
છ વર્ષથી જૂના મકાન વેચાણો પર સરકાર સ્ટેમ્પ ડયૂટી વસૂલી શકે નહીં 1 - image


હાઈકોર્ટના જજમેન્ટ સરકારના પરિપત્રને માન્ય રાખે તેવા નથી

સ્ટેમ્પ એક્ટ 1958ની કલમ 32 (ક) (4)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ છ વર્ષથી જૂના વેચાણ પર સ્ટેમ્પ ડયૂટી વસૂલી ન શકાય

અમદાવાદ : ગુજરાત સરકારે 39 વર્ષ બાદ 1982થી 2001ના ાગળામાં વેચાયેલા કે ટ્રાન્સફર કરાયેલા મકાનો પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનું તો નક્કી કર્યું છે, પરંતુ સ્ટેમ્પ ડયૂટી એક્ટ 1958ની કલમ 32 (ક) (4)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સરકાર છ વર્ષથી વધુ સમય પૂર્વે કરી દેવાયેલા વેચાણ માટેની સ્ટેમ્પ ડયૂટીની વસૂલી કરી શકતી જ નથી.

સ્ટેમ્પ એક્ટ 1958માં કલમ 32 (ક) (4)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ચોથી એપ્રિલ 1994 સુધી તો બે જ વર્ષના ગાળામાં થયેલા વેચાણના સોદાઓ પર સ્ટેમ્પ ડયૂટી વસૂલી શકાતી હતી. ચોથી એપ્રિલ 1994માં કરવામાં આવેલા સુધારા મુજબ સરકારને છ વર્ષના પૂર્વેના ગાળા સુધીમાં થયેલા સોદા પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવાની સત્તા અપાઈ હતી. 

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાઓ પણ સરકારના 13મી જુલાઈ 2021ના પરિપત્રને માન્ય રાખે તેવા નથી. ગુજરાત સરકારે 2019માં સ્પેશિયલ લીવ પીટીશન કરીને છ વર્ષની મર્યાદા કરી આપવાની માગણી કરી હતી.

પરંતુ આ કેસ ગુજરાત સરકાર હારી ગઈ છે. તેથી કોઈપણ પક્ષકાર કોર્ટના ઓર્ડરને ટાંકે ત્યારે કોર્ટમાં જઈને ઓર્ડર લઈ આવવાની તેમને જણાવી દઈને તેમના કેસને ડેપ્યુટી કલેક્ટર પાસે રિમાન્ડ (વિચારણા માટે પરત મોકલી) કરી દે છે.

સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દિનેશ પટેલ આ હકીકતથી માહિતગાર છે. તેમની સમક્ષ આ ચૂકાદાઓ ટાંકીને અનેક પક્ષકારોએ રજૂઆત કરેલી છે. પરંતુ તેઓ આ હકીકત તરફ આંખ આડા કાન કરી રહ્યા છે.

સરકારને રેવન્યુ વધારવી છે. સરકારને રેવન્યુ વધારવાના રસ્તા બતાવવામાં તેઓ રેવન્યુ ન આવે તેવા જજમેન્ટની તરફ આંખ આડા કાન કરીને તેઓ સરકારને સાચી હકીકતથી માહિતગાર કરતાં નથી.

વાસ્તવમાં કોર્ટના જજમેન્ટ તેનાથી વિપરીત હોવાની હકીકતથી સરકારને માહિતગાર કરતાં જ નથી. તેમ કરવા જાય તો સરકારની નજરમાંથી ઉતરી જવાનો ભય તેમને સતાવ્યા કરે છે. રેવન્યુ માઈન્ડેડ સરકારને રેવન્યુના રસ્તાઓ બતાવીને તેઓ પ્રજાની હાલાકી વધારવાની કવાયત કરી રહ્યા છે. 

સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અને એડિશનલ મામલતદાર-મહેસાણાએ માર્ગદર્શન માટે 21મી ડિસેમ્બર 2020ના લખેલા પત્રના અનુસંધાનમાં ગુજરાત સરકારને મહેસૂલ વિભાગે ઉપરોક્ત પરિપત્ર કર્યો છે. 

આ પરિપત્રનું નાયબ કલેક્ટરો, મામલતદારો અને સબરજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ એવું અર્થઘટન કરે છે કે મિલકતની પ્રથમ તબદિલી (એટલે કે બિલ્ડર કોઈ ખરીદારને આપે) થાય તેને સ્ટેમ્પ ડયૂટીને પાત્ર ગણ્યો નથી. ત્યારબાદની તમામ તબદિલીને સ્ટેમ્પ ડયૂટીને પાત્ર ગણવાની થાય છે. પરિણામે સંખ્યાબંધ લોકો પર સ્ટેમ્પ ડયૂટીનું ભારણ આવી જવાની દહેશત ઊભી થઈ છે. 

વિધાનસભામાં ઘડેલા કાયદાને પરિપત્રથી રદ ન કરી શકે

ગુજરાત સરકારે એલોટમેન્ટ લેટર પર બજાર કિંમતથી સ્ટેમ્પ ડયૂટી નક્કી કરવા માટેનો કાયદો પહેલી સપ્ટેમ્બર 2001થી અમલમાં મૂક્યો છે. આ કાયદો વિધાનસભામાં ઘડીને અમલમાં મૂક્યો છે. હવે સરકાર એક પરિપત્ર કરીને ગૃહની માન્યતા વિના કાયદાને કેવી રીતે રદ કરી શકે તેવો સવાલ કાયદાના ઘણાં નિષ્ણાતો ઊઠાવી રહ્યા છે. આજે પરિપત્ર કરીને 39 વર્ષ પહેલાની સ્થિતિ માટે તેને લાગુ કરવાનો નિર્ણય પણ તઘલઘી જ હોવાનું જાણકારોનું કહેવું છે. 

જૂના મકાનો પર સ્ટેમ્પ ડયૂટી નક્કી કરવામાં વિવાદો થશે

ગુજરાત સરકારના મહેસૂલ ખાતાએ 16મી જૂન 1998ના રોજ જંત્રીનો અમલ કરાવવા પરિપત્ર કર્યો હતો. પહેલી એપ્રિલ 1999થી જંત્રી અમલમાં આવી હતી. આ સંજોગોમાં 1982થી 1999 સુધીના ગાળામાં તંત્ર મિલકતનું મૂલ્ય કયા આધારે નક્કી કરશે. મિલકતનું મૂલ્ય નક્કી કરીને તેના પર સ્ટેમ્પ ડયૂટીની માગણી કરશે તો તેમાં પણ અસંખ્યા વિવાદો થશે. મુંબઈ સ્ટેમ્પ એક્ટ 1958ની કલમ 33માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પ્રથમ એલોટમેન્ટ પર સ્ટેમ્પ ડયૂટી ભરી નહિ હોય તો તેવા દસ્તાવેજો જપ્ત કરી લેવાની સત્તા મળેલી છે. દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવશે તો ગુજરાતભરમાં હજારો વિવાદો થશે. લોકોની હાલાકી વધી જશે. જૂના મકાનો પર બેન્કો લોન પણ આપવાનું બંધ કરી દેશે. જૂના મકાન ખરીદી કરનાર પાસેથી પ્રથમ એલોટમેન્ટની ડયૂટીના પુરાવાઓ સરકાર માગશે. આ પુરાવા ન આપી શકે તો દસ્તાવેજ જપ્ત થઈ જશે. જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજની કિંમત નક્કી કરવા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયૂટી પાસે જશે. તેને પરિણામે કરપ્શન પણ ખાસ્સું વધી જવાની દહેશત છે. બીજું, વેચનાર કે ખરીદનાર બેમાંથી એક પણ આજની તારીખ હયાત નહિ હોય તો સરકાર કોની પાસેથી સ્ટેમ્પ ડયૂટીની વસૂલી કરશે તે પણ એક મોટો સવાલ છે. આ દ્રષ્ટિએ સરકારનો આ પરિપત્ર તઘલઘી પરિપત્ર હોવાનું જ મોટાાભાગના લોકોનું માનવું છે. 

સ્ટેમ્પ ડયૂટી ઓળવી જનારાને સરકાર ચોક્કસ પકડી શકે છે

ગુજરાત સરકારે કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ પાસેથી સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનો કાયદો બનાવ્યો તે પછી પણ લોહીના સગાઈને નામે, બિન અવેજના દસ્તાવેજો કરીને, માત્ર અરજી કરીને બીજા સભ્યનું નામ મિલકતમાં દાખલ કરાવી દઈને સોસાયટીના રેકોર્ડ પર ચઢાવી દઈને સંખ્યાબંધ લોકોએ સ્ટેમ્પ ડયૂટીની ચોરી કરી છે. સરકાર તેમને નોટિસ આપીને તેમની પાસેથી સ્ટેમ્પ ડયૂટીની વસૂલી કરી જ શકે છે. તેની સામે પ્રજાને વાંધો હોઈ શકે નહિ. હા, વારસાઈમાં જેમને મિલકત મળી હોય તેમની પાસેથી સ્ટેમ્પ ડયૂટી વસૂલી શકે નહિ.

Tags :