ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા દાવેદારોએ વાઘા સજાવ્યાં
2,06,53,374 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે 27,075 મતદાન મથકો પર 54,387 મતપેટીઓ મૂકાશે
અમદાવાદ : ગુજરાતમાં 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી જંગ માટે દાવેદારોએ વાઘા સજાવી લીધા છે. સોમવારે ગ્રામ પંચાયતની ચૂંટણીનુ જાહેરનામુ પ્રસિદ્ધ થશે. એટલું જ નહીં, પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ફોર્મ ભરવાનો પ્રારંભ કરશે.
પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષના બેનર તળે લડાતી નથી. આમ છતાં ય પાછલા બારણે હસ્તક્ષેપ કરી પંચાયતો પર રાજકીય કબજો મેળવવા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કારણોસર સરકાર પણ સમરસતાના બહાને પંચાયતની ચૂંટણીમાં રસ લઇ રહી છે. રાજ્યમાં તા.19મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાનાર છે.
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું બ્યૂગ વાગી ચૂક્યુ છે. પંચાયતોની ચૂંટણીમાં 10646524 પુરૂષ મતદારો અને 10006850 મહિલા મતદારો સહિત કુલ 20653374 મતદારો મતાધિકાનો ઉપયોગ કરશે. આ વખતે પંચાયતોની ચૂંટણીમાં ઇવીએમથી નહી, બલ્કે બેલેટ પેપરથી મતદાન યોજાનાર છે.
પંચાયતોની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી પંચે 27085 મતદાન મથકો ઉભા કરવા આયોજન કર્યુ છે. મતદાન માટે કુલ 54387 મત પેટીઓની જરૂર પડશે. મતદાનના દિવસે 2657 ચૂંટણી અધિકારી ઉપરાંત 2990 મદદનીસ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 1,57,722 પોલીંગ સ્ટાફની પણ મદદ લેવા નક્કી કરાયુ છે. મતદાનના દિવસે કોઇ અનિચ્છિય બનાવ ન બને તે માટે 58,835 પોલીસ કર્મચારીઓ બંંદોબસ્તમાં ગોઠવાશે.
આ બાજુ, રાજ્ય સરકારે સમરસ પંચાયતો બનાવવા પણ મથામણ કરી છે. સરકારે સમરસ પંચાયતો માટે ગ્રાન્ટ આપવા પણ એલાન કર્યુ છે. સોમવારથી ઉમેદવારો સરપંચ ઉપરાંત સભ્ય તરીકે ઉમેદવારી ફોર્મ ભરી શકશે.
તા.4થી ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. તા.6ઠ્ઠી ડિસેમ્બરે ફોર્મની ચકાસણી કરાશે. ઉમેદવારો તા.7મી ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેચી શકશે. પંચાયતોની ચૂંટણીમાં સોમવારથી 10284 સરપંચ અને 89702 વોર્ડના સભ્યો માટે દાવેદારો ફોર્મ ભરવાનુ શરૂ થશે. આમ, ગામડાઓમાં પંચાયતની ચૂંટણી જંગ લડવા તૈયારીઓ શરૂ થઇ છે.
ઉમેદવારોએ શૌચાલય, બે બાળકોનો દાખલો રજૂ કરવાની જરૂર નથી
પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરવાના દસ્તાવેજોની યાદીને લઇને અસમંજસ સર્જાઇ હતી. આખરે રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી પડી હતી. હવે ઉમેદવારે શૌચાલય છે કે કેમ તે અંગે દાખલો મેળવવાની જરૂર નથી. આ ઉપરાંત બે બાળકો હોવાના દાખલાની ય જરૂરિયાત નથી. પંચાયતમાં લેણુ બાકી છે અને પોલીસ સ્ટેશનમાંથી કોઇ ગુનો નથી તેવો દાખલો મેળવવાની જરૂર નથી.
ઉમેદવારે માર્કશીટ સહિતના દસ્તાવેજૈા ફોર્મ સાથે બિડવાની જરૂર નથી. ઉમેદવારો એ માત્ર એકરારનામુ રજૂ કરવુ પડશે જેમાં આ તમામ મુદ્દે જણાવવી પડશે. માત્ર અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના દાખલા જ રજૂ કરવાના રહેશે. રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ સરળ બની છે.


