(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
દર્દી ધુમ્રપાન કરતો હોવાથી તેને કેન્સરની બીમારીનો વીમાનો ક્લેઈમ આપવાની વીમા કંપની ના પાડી જ શકે નહિ. આ ચૂકાદા સાથે કન્ઝ્યુમર કોર્ટે ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીને રૃા. ૯૩,૨૯૭નો ક્લેઈમ મંજૂર કરીને ચૂકવવાનો આદેશ કર્યો છે.
ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીએ વીમા ક્લેઈમ રિજેક્ટ કરતાં જણાવ્યું હતું કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેનાર આલોક બેનરજી નામની વ્યક્તિના મેડિકલ ટ્રીટમેન્ટના પેપર પરથી ફલિત થાય છે કે તે ચેઈન સ્મોકર હતો. તેણે લગ્ન્સ એડેનોકાર્સિનોમા એટલ ેકે ફેંફસાના કેન્સરની સારવાર કરાવવા માટે રૃા. ૯૩,૨૯૭નો ખર્ચ કર્યો હતો. પરંતુ તે ચેઈન સ્મોકર હોવાથી તેનો આ ક્લેઈમ અમે રિજેક્ટ કરી રહ્યા છીએ.
કમનસીબે આલોક બેનરજીનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારુબાદ ક્લેઈમના નાણાં મેળવવા માટે તેમના પત્નીએ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને મેડિક્લેઈમની રકમ અપાવવા દરખાસ્ત કરી હતી.
સીઈઆરસીએ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ કરી હતી. કમિશને બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટેને લાગ્યું હતું કે વીમા કંપનીએ આપખુદ રીતે મેડિક્લેઈમ લેનારનો ક્લેઈમ રિજેક્ટ કર્યો છે. કેન્સરના દર્દી વતીથી એવી દલીલ કરવામાં આવી હતી કે ધુમ્રપાન કરવાની આદતને કારણે જ વ્યક્તિને કેન્સર થયો હોવાનો કોઈ જ પુરાવો નથી. ધુમ્રપાનની આદત જ કેન્સર માટે જવાબદાર હોવાનું પ્રસ્થાપિત થતું નથી. વ્યક્તિગત પુરાવાની ગેરહાજરીમાં ડિસ્ચાર્જ સમરીને નિર્ણાયક પુરાવા તરીકે જોઈ ન શકાય. ત્યારબાદ કન્ઝ્યુમર કોર્ટે દર્દીને રૃા. ૯૩,૨૯૭નું વળતર ચૂકવી આપવા ઓર્ડર કર્યો હતો.
વીમા કંપનીઓ ક્લેઈમ લેનારને અગાઉથી જાણ કરે
વ્યક્તિ ધુમ્રપાન કરતો હોય તો તેને કેન્સરનો ક્લેઈમ નહિ મળે તેવી વીમા કંપનીએ પહેલાથી જ જાણકારી ક્લેઈમ લેનાર વ્યક્તિને આપવી જોઈએ. આ અંગેની લેખિત જાણકારી તેને આપીને ત્યારબાદ તેની તેના પર સહી લેવી જોઈએ. સામાન્ય રીતે વીમા ક્લેઈમ લેનારાઓને આ પ્રકારની સમજણ આપવામાં આવતી નથી. ત્યારબાદ અઘટિત ઘટના બને ત્યારે વીમા કંપનીઓ હાથ ઊંચા કરી દેવા માટે આ કારણોને આગળ કરતી હોય છે. પરંતુ કેવા સંજોગોમાં વીમા ક્લેઈમ નહિ ચૂકવવામાં આવે તેની વીમા ક્લેઈમ લેનારી વ્યક્તિને વીમા વેચવા માટેના નિયમ મુજબ તેની માતૃભાષામાં સમજણ આપીને તેના પર વીમો વેચનાર એજન્ટ અને વીમો ખરીદનાર વ્યક્તિ બંનેની સહી લઈને ડૉકેટમાં રાખવામાં આવે તો આ પ્રકારના વિવાદો ટળી શકે છે. વીમા કંપનીઓ તેમના વીમા વેચવા માટે આ પ્રકારની હકીકત અંગે વીમા વેચતી વખતે ફોડ પાડતી નથી. તેથી વિવાદો થાય છે. દર્દીઓ વરસો સુધી પ્રીમિયમ ભર્યા પછીય દંડાય છે.


