સીએનો વિદ્યાર્થી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડમાં ઝડપાયો
અમદાવાદનો ભેજાબાજ રિમાન્ડ પર
દાહોદ અને અમદાવાદના ગ્રામજનોના નામે ૧૧૫ બોગસ પેઢી ઊભી કરી રૃા.૫૦.૨૪ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી
વડોદરા, તા. 21 ઓક્ટોબર 2020, બુધવાર
દાહોદ અને અમદાવાદના વિસ્તારના ગ્રામજનોના આઇડી બનાવી ૧૧૫થી વધુ બોગસ પેઢીઓ ઊભી કરી રૃા.૫૦.૨૪ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કૌભાંડ આચરનાર સીએના ફાયનલ યરના વિદ્યાર્થીને સેન્ટ્રલ જીએસટી-વડોદરા-૨ કમિશનરેટના અધિકારીઓએ તેને ઝડપી પાડયો છે.
પ્રિન્સ મનીષકુમાર ખત્રી નામના આ ભેજાબાજને ઝડપી પાડયા બાદ તેને તપાસાર્થે અત્રેની સયાજી હોસ્પિટલની કોરોના ટેસ્ટ માટે મોકલાયો હતો. એ પછી વડોદરા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાતા તેને રિમાન્ડ પર લેવાયો હતો.
વડોદરા ઝોનના અધિકારીઓએ ઇ-વે બિલ, જીએસટીઆર-૩ બી અને જીએસટીઆર-૧ના ડેટા મેળવી શંકાસ્પદ કરદાતાઓની તપાસ આરંભી હતી. જેમાં પ્રિન્સ ખત્રી ઝડપાઇ ગયો હતો. આ ભેજાબાજ અમદાવાદનો છે. જેણે બોગસ પેઢીઓ ઊભી કરી બોગસ બિલો બનાવી રૃા.૫૦.૨૪ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.
વાસ્તવમાં માલ સપ્લાય કર્યા વિના કે સર્વિસ આપ્યા વગર જ બોગસ બિલો ખોટા નામે આપીને ટેક્સ ક્રેડિટનું કૌભાંડ આચર્યુ હતું. પ્રિન્સની પૂછતાછ દરમિયાન તેણે કબૂલ્યુ હતું કે અમદાવાદ અને દાહોદ વિસ્તારના ગ્રામજનો અને મજૂરોના નામે બોગસ પેઢીઓ ઊભી કરી હતી અને રૃા.૫૦ કરોડથી વધુ રકમની બોગસ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ ગ્રામજનો અને મજૂરોને દર મહિને રોકડ પેમેન્ટનું વચન પણ તેણે આપ્યું હતું, જેની તા.૧૬ના રોજ ધરપકડ કરી હતી. આ પ્રકારના ગુનામાં પાંચ વર્ષ સુધી જેલની સજા થઇ શકે છે. આ પ્રકરણમાં વધુ તપાસ ચાલુ છે.