મયંક ટેલક મર્ડર કેસમાં સામેલ અમદાવાદના બુટલેગરની ધરપકડ
મયંકની હત્યા માટે સમીર ઉર્ફે બન્ટીને બે ભાડૂતી માણસો આપ્યા હતાં
વડોદરા, તા. ૯ નવેમ્બર, ૨૦૧૯ શનિવાર
નવાબજારમાં જાહેરમાં મયંક ટેલરને રહેંસી નાંખવાના ગુનામાં પંડયા બંધુઓને ગુનાને અંજામ આપવા બે યુવકો પૂરા પાડનાર અમદાવાદના બુટલેગરને સિટિ પોલીસે ઝડપી પાડયો છે. મયંક ટેલર મર્ડર કેસમાં સિટિ પોલીસે અત્યાર સુધી ૭ આરોપીને એરેસ્ટ કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, મંગળબજાર, નવાબજાર વિસ્તારમાં પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે પંડયા બંધુઓ સમીર અને ચિરાગે ભેગા મળીને મયંક ટેલરને નવાબજાર વિસ્તારમાં જાહેરમાં જ રહેંસી નાંખ્યો હતો. જે ગુનામાં અગાઉ સમીર ઉર્ફે બન્ટી અને ચિરાગ પંડયા, રાહુલ રાઠોડ, દિપક મકવાણા, પ્રદિપ રાવત, સગીરની ધરપકડ થઇ હતી. મયંક ટેલરના મર્ડરની પાછળ એક કારણ પ્રેમપ્રકરણ પણ હતું.
સિટિ પોલીસ મથકના પીઆઇ ડી.જે. સોસાએ હાથ ધરેલી તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે સમીર ઉર્ફે બન્ટી પંડયા અને અમદાવાદના વાડજના રામાપીરના ટેકરા વિસ્તારમાં રહેતો ભાર્ગવ ઉર્ફે ગુડ્ડુ બાબુભાઇ રાવત ૨ વર્ષ પૂર્વે રાજકોટ જેલમાં પાસામાં સાથે હતા. તે દરમિયાન બંન્ને વચ્ચે પરિચય થયો હતો. અમદાવાદના બુટલેગર ભાર્ગવ ઉર્ફે ગુડ્ડુએ સમીરને કહ્યું હતું કે કોઇ ગુના માટે માણસોની જરૃર હોય તો જણાવજે. જેથી મયંક ટેલરની હત્યા માટે બન્ટીએ માણસો માંગ્યા ત્યારે ભાર્ગવ ઉર્ફે ગુડ્ડુએ એક સગીર અને બીજા પ્રદિપ રાવતને બન્ટીની સાથે મોકલ્યા હતા. શુક્રવારે સિટિ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરીને તા.૧૧મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મયંક ટેલર મર્ડર કેસમાં સાતમો આરોપી પકડાયો છે.