મુંબઇની બે ગર્લફ્રેન્ડ સાથે ડાયમંડનો વેપારી કારમાં નશાની હાલતમાં ઝડપાયા
મહેફિલ માણી રાત્રે ફરવા નીકળ્યા ત્યારે કુબેરભવન પાસે અકસ્માત સર્જાતા હંગામો થતા પોલીસ પહોંચી
વડોદરા,તા,5,ફેબ્રુઆરી,2020,બુધવાર
મુંબઇથી આવેલી બે ગર્લફ્રેન્ડ સાથે દારૃની મહેફિલ માણી કાર લઇને ફરવા નીકળેલા ડાયમંડના વેપારીની કારને કુબેરભવન બીએસએનએલ ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાતા હંગામો થયો હતો. રાવપુરા પોલીસે ઘટના સ્થળેઆવી તપાસ કરતા ત્રણેય નશાની હાલતમાં હોવાથી પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે આર.વી.દેસાઇ રોડ અક્ષય એપાર્ટમેન્ટમાં રહેતો નિકુંજ આનંદભાઇ પટેલ ગત રાત્રે સવા આઠ વાગ્યે પોતાનું સ્કૂટર લઇને બીએસએનએલ ત્રણ રસ્તા પાસેથી પસાર થતો હતો. તે સમયે અમદાવાદ- પાસિંગની કારના ડ્રાઇવરે ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેના પગલે રાવપુરા પોલીસ ઘટના સ્થળે આવી હતી. કારચાલક વલ્લભ અર્જુનભાઇ કથળીયા (રહે. આદિત્ય વિલા સોસાયટી, ગુરૃકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ) દારૃના નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું. તેની સામે કારમાં બેઠેલી તેની બે ગર્લફ્રેન્ડ (૧) પુજા સુરેશભાઇ પાંડે (રહે. કાદિવલી) ઇસ્ટ, ઠાકુર કોમ્પલેક્ષ, ૯૦ ફૂટ રોડ મુંબઇ) અને (૨) માધવી સચિનભાઇ કાયસે (રહે. વિહાર મંવે પાડા બ્રહ્મ કોમ્પલેક્ષ વિરાર ઇસ્ટ મુંબઇ) પણ દારૃના નશામાં હોવાથી રાવપુરા પોલીસે ત્રણેયની વિરૃધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસની પ્રાતમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે વલ્લભ કવથીયા મૂળ ભાવનગરના બોટાદનો વતની છે અને ડાયમંડનો વેપાર કરે છે. તેની બીજી બ્રાંચ મુંબઇમાં છે વડોદરામાં બાળકોને ભણાવવા માટે તે રહે છે. જયારે મુંબઇથી બે યુવતીઓ તેની ગર્લફ્રેન્ડ છે.
રાવપુરા પોલીસે ડાયમંડના વેપારીની કરતૂતો પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે. ડાયમંડના વેપારી અને મુંબઇની બે યુવતીઓ વચ્ચે શું સંબંધ છે? બંન્ને યુવતીઓ અહીંયા કેમ આવી હતી? ત્રણેયે કયાં બેસીને દારૃ પીધો? દારૃ ક્યાંથી લાવ્યાં હતાં? કોઇ ગુનાઇત કૃત્ય કર્યું છે કે કેમ? તે દિશામાં પોલીસે કોઇ જ તપાસ કરી નથી અને ભીનું સંકેલી લીધુ છે. રાવપુરા પીઆઇ જે.એચ. ચૌધરીતો સ્પષ્ટ એવું જણાવે છે કે અમારે તો માત્ર પ્રોહિબિશનના કેશની જ તપાસ કરવાની છે. પરંતુ ઘણા એવા કેસ હોય છે. કે જેની તપાસ અને પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓનો ભેદ ઉકલે તેમ હોય છે. પરંતુ ઇન્વેસ્ટીગેશનમાં જાણે રસ ન હોય તેમ પોલીસે ડાયમંડના વેપારી અને યુવતીઓની વધુ તપાસ કરી ન હતી.