ઠાસરા શહેરમાં તોફાનીઓની મિલકતો પર બુલડોઝર ફેરવાશે
- મિલકતોની માપણી શરૂ કરવામાં આવી
- અશાંતિ સર્જનારા તત્વો સામે હવે કાયદાનો દંડો ઉગામાશે
વિધર્મીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા ડહોળીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નગરમાં નીકળેલી શિવજીની શોભાયાત્રા ઉપર વિધર્મીઓએ કરેલા પથ્થરમારા બાદ હવે તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ઠાસરા પ્રાંત અધિકારીએ નગરપાલિકાને વિધર્મીઓની મિલકતોની માપણી કરવાનો આદેશ જારી કર્યો છે. હંગામી દબાણોની માપણી કરવાના આદેશ બાદ હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરમાં માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. માપણીના અંતે થોડા સમયમાં બુલડોઝર ફેરવી ગેરકાયદેસરના દબાણ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. યુપી પછી હવે ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર ફરશે તેવી ચર્ચા વચ્ચે હાલમાં નગરમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં માપણી કરવામાં આવી રહી છે અને આવતીકાલ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે.