કુબેરનગરમાં છેલ્લા બે વર્ષથી તૂટેલો રોડ હજુ યથાસ્થિતિમાં
- સ્થાનિક રહિશો પરેશાન, મ્યુનિ.તંત્ર બેધ્યાન
- ઉડતી ધૂળ, ઉભરાતી ગટરો, કાચા રોડ, ગંદકીની સમસ્યાથી લોકો ત્રસ્ત
અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2021, સોમવાર
કુબેરનગર અંડરબ્રિજ પાસે ૫૦૦ મીટરનો રસ્તો છેલ્લા બે વર્ષથી તૂટેલી હાલતમાં છે. બાજુમાં આવેલી આઇટીઆઇ, અર્બન હેલ્થ સેન્ટર અને અનેક ફ્લેટ, બંગલાઓના રહિશો ઉડતી ધૂળ, કાચા રસ્તા, ઉભરાતી ગટરોની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. રોડની સત્વરે મરામત કરવા માંગણી કરાઇ છે.
સરદારનગર વોર્ડમાં કુબેરનગર વિસ્તારમાં ગંદકી, તૂટેલા રોડ, ઉભરાતી ગટરો અને દબાણોનો પ્રશ્ન ગંભીર બન્યો છે. શહેરીજનોને પજવતી આ સમસ્યાઓ પ્રત્યે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ આંખઆડા કાન કરી રહ્યા છે.
કુબેરનગર અંડરબ્રિજ પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટરના સામેનો રોડ વર્ષોથી મ્યુનિ.તંત્ર દ્વારા બનાવાતો નથી. રહિશોના જણાવ્યા મુજબ રોડ પર ગંદકી છે. રેલવે લાઇન તરફના રોડ પર પણ ગંદકીના ઢગલા જોવા મળતા હોય છે. હેલ્થ સેન્ટરની પાછળ આવેલા રાજીવનગર, ઇન્દિરાનગર અને સુભાષનગર તેમજ અનેક ચાલીઓના રહિશો પણ પરેશાન છે. આ વિસ્તારોમાં પાણી ઓછુ અને અપુરતા પ્રેસરથી આવતું હોવાનીે ફરિયાદો છે.
મુખ્ય રોડ પર ગટર લાઇનનો મેઇન હોલ ખૂલ્લો પડયો છે. જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. આ ખૂલ્લી ગટરને પણ સુરક્ષિત કરવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવી નથી. બાજુમાં આવેલા મ્યુનિ.પ્લોટ પણ ગંદકીથી ખદબદતો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના રોડ , ગટર અને પાણીને લગતા પાયાના પ્રશ્નો સત્વરે ઉકેલવામાં આવે તેવી સ્થાનિક રહિશો માંગણી કરી રહ્યા છે.