Get The App

બૂકી બજારના મતે ગુજરાતમાં ભાજપને 24, કોંગ્રેસને 2 બેઠક

- કેન્દ્રમાં NDAની સરકાર, 290 થી 295 બેઠકો

- જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા ભાજપ ગુમાવશે, સુરેન્દ્રનગરમાં ટક્કર પણ કોંગ્રેસની જીતના ચાન્સ વધુ

Updated: Apr 25th, 2019

GS TEAM


Google News
Google News
બૂકી બજારના મતે ગુજરાતમાં ભાજપને 24, કોંગ્રેસને 2 બેઠક 1 - image


રાજકોટ, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠક પરની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. તા.૨૩ મેના રોજ પરિણામ આવે તે પહેલા લોકો, રાજકીય પક્ષનાં કાર્યકરો અને ઉમેદવારો વચ્ચે કોણ જીતશે, કોણ હારશે તેની તિવ્ર ઉત્કંઠા અને ચર્ચા વચ્ચે બુકીઓનું માનવું છે કે, ગુજરાતમાં ભાજપને ૨૪ અને કોંગ્રેસનાં ફાળે ૨ બેઠકો આવશે. જયારે સરકાર એનડીએની રચાશે.

સૌરાષ્ટ્ર - કચ્છની આઠ બેઠકોમાંથી કોંગ્રેસનાં ફાળે ત્રણ અને ભાજપનાં ફાળે પાંચ બેઠકો આવે તેવું બુકી બજારનું અનુમાન છે.

બુકીઓએ જે ભાવો ખોલ્યા છે તે મુજબ રાજકોટમાં ભાજપનાં ઉમેદવારનાં ૧૭ પૈસાનાં ભાવ સાથે કોંગ્રેસનાં ઉમેદવારનો ભાવ ૫ રૃપિયા છે. જામનગરમાં ભાજપનાં ઉમેદવારનાં ૩પ પૈસાનાં ભાવ સામે કોંગ્રેસનાં ઉમેદવારનાં ભાવ ૨.૫૦ રૃપિયા છે. પોરબંદરમાં ભાજપનાં ૫૦ પૈસા સામે કોંગ્રેસનાં ઉમેદવારનો ૧.૬૦ ભાવ નિકળ્યો છે. ભાવનગરમાં ભાજપનાં ૫૦ પૈસા સામે કોંગ્રેસનાં ઉમેદવારનો ભાવ ૧.૬૦ નિકળ્યો છે.  કચ્છમાં પણ ભાજપનાં જ ઉેદવાર ફેવરીટ છે. તેનાં ૫૨ પૈસાનાં ભાવ સામે કોંગ્રેસના ઉમેદવારનો ૧.૬૦ ભાવ નિકળ્યો છે. 

બુકી બજારનાં  અનુમાન મુજબ ગુજરાતમાં કોંગ્રેસને ચાર બેઠકો મળવાની શકયતા છે. તેમાંથી ત્રણ સૌરાષ્ટ્રની છે અને ચોથી બનાસકાંઠાની છે. અમરેલીનાં કોંગ્રેસનાં ઉમેદવારનાં ૬૦ પૈસા સામે ભાજપનાં ઉમેદવારનો ભાવ ૧.૪૦ નિકળ્યો છે. જો કે સુરેન્દ્રનગરની બેઠક પર  બંને પક્ષનાં ઉમેદવારનો ભાવ ૯૦,૯૦ પૈસા છે આમ છતાં બુકીઓ અહીં કોંગ્રેસની જીતની શકયતા જોઈ રહ્યાં છે.

ત્રીજી બેઠક જૂનાગઢની છે. ત્યાં પણ કોંગ્રેસનાં ઉમેદવાર ફેવરીટ છે તેનો ભાવ ૭૦ પૈસા નિકળ્યો છે. સામે ભાજપનાં ઉમેદવારનો ભાવ ૧.૨૫ પૈસા છે. બુકીઓનું માનવું છે કે, સરકાર ફરીથી એનડીએની જ રચાશે. એનડીએને ૨૯૦થી ૨૯૫ બેઠકો મળવાનો અંદાજ છે. જયારે યુપીએને ૧૨૦થી ૧૨૫ બેઠકો મળી શકે છે. 

એકલા ભાજપને ૨૪૭થી ૨૫૦ બેઠકો અને કોંગ્રેસને ૭૯થી ૮૨ વચ્ચે બેઠકો મળી શકે છે. ભાજપની ૨૪૭ થી ૨૫૦ બેઠકોનો ભાવ ૧ રૃપિયો અને કોંગ્રેસની ૭૯થી ૮૨ બેઠકનો ભાવ ૧ રૃપિયો ખુલ્યો છે. 

હાલ આઈપીએલનાં મેચો હોવાથી બુકીઓ ચુંટણીનાં સટ્ટામાં રસ નથી લઈ રહ્યાં. બુકી બજારનું કહેવું છે કે તા.૧૨મેનાં રોજ આઈપીએલ પૂરો થઈ જશે. તા.૨૩મીએ ચૂંટણીનું પરિણામ આવવાનું છે પરિણામે તા.૧૨થી ૨૩ મે વચ્ચે બુકીઓ ફ્રી હોવાથી તે સમયગાળા દરમિયાન લોકસભાની ચુંટણી પર ધૂમ સટ્ટો રમાશે. વળી હજુ ઘણાં તબક્કાની ચુંટણી પણ બાકી હોવાથી તેમાં મતદાન થયા બાદ ભાવોમાં અને ગણિતમાં થોડા ફેરફાર થતા રહેશે.

Tags :