ઇસનપુર પોલીસે બોલેરોનો ફિલ્મીઢબે પીછો કરી પાંચ લાખનો વિદેશી દારૃ પકડયો
નારોલ સર્કલથી પીછો કર્યો પોલીસને થાપ આપી બુટલેગર ભાગી ગયો
દારુની ૧,૧૧૬ બોટલો સહિત પોલીસે કુલ રૃા. ૭.૩૮ લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ,મંગળવાર
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં પોલીસ દ્વારા દારુની બદીને નેસ્ત નાબુદ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેવા સંજોગોમાં બુટલેગરો દ્વારા બીજા રાજ્યમાંથી અમદાવાદમાં દારુ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે ચોક્કસ બાતમી આધારે ઇસનપુર પોલીસે બોલેરોનો ફિલ્મીઢબે પીછો કરીને ચાંડોળા તળાવ પાસેથી રૃા. પાંચ લાખના વિદેશી દારુનો જથ્થો પકડી પાડીને કુલ રૃા. ૭.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વહેલી સવારે બોલેરોમાંથી વિદેશી દારુની ૧,૧૧૬ બોટલો સહિત પોલીસે કુલ રૃા. ૭.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ઇસનપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટ ડી.ડી.ગોહિલના જણાવ્યા મુજબ ઇસનપુર વિસ્તારમાં દારુની બદી દૂર કરવા માટે પોલીસને સતત પેટ્રોલીગ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે આવા સંજોગોમાં ખાનગી બાતમી આધારે આજે સવારે ઇસનપુર પોલીસની ટીમ નારોલ સર્કલ આસપાસ તૈનાત હતી અને એક બોલેરો કાર પૂર ઝડપે પસાર થઇ રહી હતી. પોલીસે તેન રોકવા માટે ઇશારો કર્યો છતાં બુટલેગરે કાર મારી મૂકી હતી.
પોલીસે પણ બોલેરોનો ફિલ્મીઢબે ચંડોળા તળાવથી પીછો કરીને ઇસનપુર મિરા સિનેમા પાસે કોર્ડન કરી હતી અને તેમાં તલાસી લેતાં પોલીસ પણ ચોકી ઉઠી હતી. કારમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારુની ૯૩ પેટીમાં કુલ રૃા. ૪,૩૮,૩૦૦ની કિંમતની ૧,૧૧૬ બોટલો સહિત કુલ રૃા. ૭.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.