કેન્દ્રીય બજેટમાં નવી કલમ ઉમેરી ખર્ચ કે ખરીદીના મોટા બિલ સામે બિલની રકમ જેટલો જ દંડ થશે
વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ તમામ કેસો પૂરા કરવા માત્ર ટેક્સની રકમ ભરવી પડશે
વડોદરાતા,9,ફેબ્રુઆરી,2020,રવિવાર
બોગસ બિલો દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના છળકપટના બનાવો વધી રહ્યા છે, ત્યારે સરકારે આ કૌભાંડ રોકવા માટે બજેટમાં નવી જોગવાઇ પણ ઉમેરી છે. જેમાં ખર્ચ કે ખરીદીના ખોટા બિલો રજૂ કરવામાં આવે છે તેમાં જેટલી રકમનું બિલ હોય તેટલી રકમની જ પેનલ્ટી કરવામાં આવશે. આ જોગવાઇ નવી કલમ ૨૭૧ એએડી હેઠળ દાખલ કરાઇ છે.
'વિવાદથી વિશ્વાસ સ્કીમ' હેઠળ બાકીના બધા જ કેસ પૂરા કરવા માટે ખાલી ટેક્સની રકમ ભરવાની રહેશે. વ્યાજ અને પેનલ્ટીની રકમમાંથી પૂરી મુક્તિ મળશે. જો વ્યાજ અને પેનલ્ટી માટેનો જ કેસ હોય તો તેવી વ્યાજ અને પેનલ્ટીના ફક્ત ૨૫ ટકા ભરવાના રહેશે.
જો કોઇનું ટર્ન ઓવર ગત વર્ષનું ૧૦ કરોડથી વધુ હોય અને તે કોઇ એક વ્યક્તિ પાસેથી માલ પેટે રૃા.૫૦ લાખથી વધુ મેળવે છે તો હવેથી તેવી વ્યક્તિ પાસેથી વેચાણ કરનાર ૦.૧ ટકાના દરે ટીસીએસ વસૂલ કરશે. ઇ-કોમર્સ ઓપરેટર કોઇ પણ ઇ-કોમર્સ સહયોગીને ચૂકવણી હપ્તે વખતે ૧ ટકાના દરે ટીડીએસ કાપશે. દરેક ચેરિટેબલ ટ્રસ્ટની નોંધણી અને કલમ ૮૦-જી હેઠળની નોંધણી દર પાંચ વર્ષે ફરી કરવાની રહેશે.