બોર્ડ નિગમોમાં નિમણૂકનાં દ્વાર ખૂલ્યાં ભાજપના નેતાઓમાં રાજકીય સંચાર
પાટીદારોને રીઝવવા પ્રયાસ કે પછી ગાજર લટકાવાયું...
વિધાનસભાની ચૂંટણીમાં કામે લગાડવા પાટીલની રાજકીય ચાલ, બોર્ડ નિગમમાં ચેરમેનપદ મેળવવા દાવેદારો તલપાપડ
બિન અનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ- ગુજરાત બિન અનામત આયોગમાં નિમણૂકો બાદ લોબિંગ શરૂ
અમદાવાદ : વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ અત્યારથી કામે લાગ્યુ છે જેના ભાગરૂપે બોર્ડ નિગમોમાં નિમણૂકના દ્વાર ખોલાયા છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક-આિર્થક વિકાસ નિગમ અને ગુજરાત બિન અનામત આયોગમાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષ નિમાયા બાદ ભાજપના ધારાસભ્યો,નેતાઓમાં રાજકીય સંચાર થયો છે. બોર્ડ નિગમમાં ચેરમેનપદ મેળવવા રાજકીય લોબિંગ પણ શરૂ થયુ છે.
છેલ્લા કેટલાંય વખતથી બોર્ડ નિગમમાં નિયુક્તિ કરાઇ નથી. ચેરમેનપદ ખાલીખમ પડયા છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આિર્થક વિકાસ નિગમ અને ગુજરાત બિન અનામત આયોગમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદે પુ:ન નિમણૂંકો અપાઇ છે જેના કારણે બોર્ડ નિગમમાં નિયુક્તિ થશે તેવી ભાજપના નેતાઓમાં આશા જન્મી છે.
સૂત્રોના મતે, બને બોર્ડ નિગમમાં કડવા અને લેઉવા નેતાઓની પુન નિમણૂંકો કરાઇ છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પાટીદારોને રિઝવવા ફરી એક પ્રયાસ કર્યો છે. આપની એન્ટ્રી બાદ ભાજપે પાટીદારોને સાચવવા કવાયત હાથ ધરી છે.
પાટીલે એક કાંકરે બે પક્ષીને માર્યા છે. પાટીદાર નેતાઓને બોર્ડ નિગમમાં સૃથાન આપીને સહાનુભૂતિ દાખવવા પ્રયાસ કરાયો છે સાથે સાથે વિધાનસભાની ચૂંટણી કામે લગાડવા પાટીલે ગાજર લટકાવ્યુ છે.
ધારાસભ્યો,ભાજપના નેતાઓને બોર્ડ નિગમમાં ચેરમેનપદની લાલચ દેખાડી ચૂંટણી કામે દોડાવવા પ્રયાસ કરાયો છે જેના કારણે કેટલાંય દાવેદારોએ ગાંધીનગરના આંટાફેરા ય શરૂ કરી દીધાં છે. પાટનગરમાં બંગલો-કાર મેળવવા દાવેદારો તલપાપડ બન્યા છે. ટૂંકમાં, બોર્ડ નિગમમાં નિમણૂંકો થવાની આશા જન્મતા કમલમમાં અવરજવર વધી છે.