Get The App

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સત્તાવાર રીતે હોદ્દો ગ્રહણ કર્યો

- ગુજરાત ભાજપના સંગઠનને દેશના સર્વશ્રેષ્ઠ સંગઠનમાં રૂપાંતરિત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સત્તાવાર રીતે હોદ્દો ગ્રહણ કર્યો 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 21 જુલાઇ, 2020, મંગળવાર

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નો સત્તાવાર કાર્યભાર આજે ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલે સ્વીકારી લીધો છે. આ સાથે જ તેમણે ગુજરાત ભાજપના સંગઠનને દેશના સર્વોત્તમ સંગઠન બનાવવાના નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

તેમ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં 400 જેટલી જનકલ્યાણની યોજનાઓનો વધુમાં વધુ લાભ ગરીબોને  અપાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાના તેમના નિર્ણયની પણ તેમણે જાહેરાત કરી હતી.  સીઆર. પાટીલે સંપૂર્ણ સમર્પણ અને પ્રમાણિકતાથી આપણા ગુજરાતના ભાજપના સંગઠનને દેશનું સર્વશ્રે સંગઠન બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી પણ આપી હતી.

લોકડાઉન દરમિયાન ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાએ કોરોનારૂપી આફતને સેવાના અવસર માં પરિવતત કરીને ખડેપગે રહી, લાખો નાગરિકોને ફૂડપેકેટ, રાશન કીટ ,સેનેટાઈઝર નું વિતરણ કરનારા કાર્યકરોને સી.આર. પાટિલે અભિનંદન આપ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં 400 જેટલી જનકલ્યાણની યોજનાઓ ચાલી રહી છે આ તમામ યોજનાઓનો વધુમાં વધુ લાભ લાભાર્થીઓને અપાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવશે. ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા તેમાં કડીરૂપ ભૂમિકા ભજવશે. હું તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને ભાજપા સંગઠનને વધુ મજબૂત બનાવવાના તમામ પ્રયાસો કરીશ. 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી, પ્રદેશ કોષાધ્યક્ષ અને વરિ નેતા સુરેન્દ્રકાકા સહિત પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપાના તેરમા પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સી.આર પાટીલના નેતૃત્વમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપાને ભવ્ય સફળતા પ્રાપ્ત થશે તેવી આશા અભિવ્યક્ત કરી હતી. જોકે સી.આર. પાટિલે હોદ્દો ગ્રહણ કર્યો તે માટે આજે યોજાયેલા સમારોહમાં ભાજપના નેતાઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં નિષ્ફળ રહ્યા હતા.

નવા નિયુક્ત થયેલા પ્રદેશ પ્રમુખને અભિનંદન આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને પક્ષના નેતાઓ ઉમટયા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તેમને મળવા સહુ આવ્યા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના લીરેલીરા ઊડી ગયા હતા. સમારોહ સ્થળ પર ઉપસ્થિત પોલીસે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતું હોવા છતાં કોઈ જ ગુનો નોંધવાની દરકાર કરી નહોતી.

ગુજરાતમાં જ્યારે કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રધાનમંત્રી પ્રેરિત નિયમોનું પાલન ન કરે તે એક આઘાત પમાડે તેવી બાબત છે. સી.આર. પાટીલના સંખ્યાબંધ સમર્થકો પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં પહોંચી ગયા હતા. તેમણેે પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કર્યું નહોતું.

કોરોના સંક્રમણને ઘટાડવા મરણ પ્રસંગે 20 જણ અને લગ્ન પ્રસંગમાં 50 વ્યક્તિ જ હાજર રહી શકે તેવો નિયમ કરવામાં આવ્યો છે, પરંતુ રાજકીડ મેળાવડામાં કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શકે તે અંગે કોઈ જ નિયમ બનાવ્યો નથી. દક્ષિણ ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો સહિત સી.આર. પાટિલના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

Tags :