પેટાચૂંટણીના મુદ્દે આજે કમલમમાં ભાજપની રિવ્યૂ બેઠક મળશે
- પાંચ પક્ષપલટુઓની ટિકિટ લગભગ ફાઇનલ
- આઠ વિધાનસભા બેઠકોની રાજકીય સ્થિતી અંગે નિરીક્ષકો રિપોર્ટ રજૂ કરશે,ઉમેદવારોની થશે ચર્ચા
અમદાવાદ, તા. 12 જુલાઇ, 2020, રવિવાર
કોરોનાની મહામારી વચ્ચે આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે.પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપે ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરી છે.
આવતીકાલે કમલમમાં પેટાચૂંટણીના મુદ્દે ભાજપની રિવ્યુ બેઠક યોજાનાર છે જેમાં બેઠક વાઇઝ નિરીક્ષકોના રિપોર્ટ આધારે રાજકીય પરિસિૃથતીનો તાગ મેળવી ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવશે.
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કરતાં ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો ખાલી પડી છે. આ બધીય બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે તમામ બેઠકો પર એક મંત્રી અને સંગઠનના એક પદાિધકારીને નિરીક્ષક તરીકે મોકલ્યા હતાં.
આ નિરીક્ષકો આવતીકાલે કમલમમાં યોજાનારી રિવ્યૂ બેઠકમાં રિપોર્ટ આપશે જેના આધારે કઇ બેઠક પર શું રાજકીય-સામાજીક પરિસિૃથતી છે, સૃથાનિક આગેવાનો-કાર્યકરોનું શું કહેવું છે, કયા ઉમેદવારને ટિકીટ આપવી યોગ્ય છે.
આ બધીય બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.સૂત્રોના મતે, ધારી, મોરબી, કપરાડા ,અબડાસા અને કરજણમાં કોંગ્રેસ છોડીને આવેલાં પક્ષપલટુ ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતારવા ભાજપે મન બનાવી લીધુ છે.આ બેઠક પર કોઇ પણ અસંતુષ્ટ હશે તેને મનાવી લેવાશે પણ ભાજપ પોતાના ઉમેદવારને ટિકીટ આપે તેવી શક્યતા નહિવત છે.
લિંબડી અને ગઢડામાં ભાજપ પોતાના ઉમેદવારને ટિકીટ આપે તેમ છે. જયારે ડાંગમાં હજુ ભાજપ ઢચુપચુ છે કેમ કે, મંગળ ગાવિતને ટિકીટ આપવી કે કેમ તે અંગે હજુ ચોક્ક્સ નિર્ણય લેવાયો નથી. પણ એક વાત ચોક્કસ છે કે, જો મંગળ ગાવિતને ટિકીટ નહી આપે તો અપક્ષ તરીકે ઝુકાવે તેમ છે જેના કારણે જો ત્રિપાંખિયો જંગ ખેલાય તો કોગ્રેસ બાજી મારી શકે છે.
રાજકીય ગણિત વચ્ચે ભાજપ ડાંગમાં ય પક્ષપલટુ મંગળ ગાવિતને કેસરિયો ખેસ પહેરાવી ટિકીટ આપી શકે છે. આમ,પાંચ પક્ષપલટુઓની ટિકીટ નિશ્ચિત માનવામાં આવી રહીછે.આવતીકાલે સોમવારે કમલમમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષ સૃથાને યોજાનારી રિવ્યુ બેઠકમાં નિરીક્ષકોના રિપોર્ટ આધારે ચૂંટણીની સ્ટ્રેટેજી જ નહીં, પણ અસંતુષ્ટોને ઠારવા આયોજન કરાશે.
પ્રદેશ પ્રમુખનો મુદ્દો પાછળ ઠેલાયો, પેટાચૂંટણી સુધી જીતુ વાઘાણીને જીવતદાન
કોંગ્રેસમાં પ્રદેશના માળખામાં નિમણૂંકનો દોર શરૂ થયો છે. યુવા નેતા હાર્દિક પટેલને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, ભાજપમાં હજુ પ્રદેશના માળખાના કોઇ ઠેકાણા નથી. સૂત્રોેન મતે,ફરી એકવાર પ્રદેશ પ્રમુખનો મુદ્દો પાછળ ઠેલાયો છે.ગત વખતે મળેલી પ્રદેશ કોર કમિટીના બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. જોકે,હવે પેટાચૂંટણી પછી જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. અત્યારે તો જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખપદે યથાવત રહેશે. વાઘાણીના પ્રમુખપદ હેઠળ જ ભાજપ પેટાચૂંટણી લડશે. છેલ્લાં કેટલાંય વખતથી પ્રદેશ પ્રમુખની નિમણૂંકની વાતો ચાલી રહી છે પણ હજુ સુધી આ મામલે મેળ પડયો નથી.
પેેટાચૂંટણી પહેલાં જિલ્લામાં ફેરબદલની શક્યતા,જીલ્લા પ્રમુખોની નિમણૂકો થઇ શકે છે
પેટાચૂંટણી પહેલાં પ્રદેશના માળખામાં બદલાવ થાય તેવી શક્યતા નહીવત છે. પણ જિલ્લાઓમાં ફેરબદલ થાય તેવી વકી છે.સૂત્રોના મતે, પેટાચૂંટણી યોજાય તે પહેલાં કેટલાંક જિલ્લા પ્રમુખોના નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખને લઇને સંગઠનની પ્રક્રિયા તો કયારની ય પૂર્ણ થઇ ચૂકી છે. હવે જયારે પેટાચૂંટણી આવી રહી છે ત્યારે આઠ વિધાનસભા બેઠકોને બાદ કરતાં અન્ય કેટલાંક જિલ્લામાં ભાજપ પ્રમુખની નિયુક્તિ જાહેર કરશે.