For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

BJPના કાર્યકરોએ કોંગ્રેસના બેનર ફાડયા તો, લોકોએ BJPના બેનર ઉતારી દીધા

વેજલપુરના બકેરી સીટીની ઘટના

કોંગ્રેસ, ભાજપ અને આપ ઉમેદવારોને મતદારો સુધી પહોંચવાનો હક છેઃ સ્થાનિક રહેવાસીઓ

Updated: Nov 21st, 2022

Article Content Imageઅમદાવાદ

વેજલપુરમાં આવેલી બકેરી સીટીના એક એપાર્ટમેન્ટમાં ભાજપના કાર્યકરોએ   કોંગ્રેસના બેનરને ફાડીને ઉતારી દેતા સોસાયટીના સ્થાનિક રહીશોએ ભાજપના કાર્યકરોની સામે જ ભાજપના ઉમેદવારનું બેનર ઉતારીને બરાબરના ખખડાવી નાખતા કાર્યકરોને શરમ ના માર્યા ત્યાંથી ચાલતા થઇ ગયાની ઘટના શનિવારે બની હતી.વેજલપુર બકેરી સીટીમાં ભાજપના ઉમેદવાર અમિત ઠાકર માટે કામ કરતા કાર્યકરોએ વિવિધ એપાર્ટમેન્ટની બહારના ગેટ પાસે મતદારોને અપીલ કરતા બેનર લગાવ્યા હતા. સાથેસાથે કોંગ્રેસના ઉમેદવાર રાજુ પટેલના સમર્થકોએ પણ કોંગ્રેસના બેનર લગાવ્યા હતા. સોમવારે બપોરના સમયે ભાજપના કાર્યકરો પ્રચારમાં નીકળ્યા ત્યારે કોંગ્રેસનું બેનર સોસાયટીના ગેટ પર જોતા તેમણે બેનરને ફાડી નાખ્યું હતું અને દાવો કર્યો હતો કે આ સોસાયટીના રહેવાસીઓ ભાજપના સમર્પિત મતદારો છે. જેથી કોંગ્રેસનું બેનર ન જોઇએ.  જો કે સોસાયટીના સ્થાનિક લોકો આ દ્રશ્ય જોઇને ગુસ્સો વ્યક્ત કરીને ભાજપના કાર્યકરોને ખખડાવી નાખ્યા હતા અને કહ્યું હતું કે ભાજપ નક્કી ન કરી શકે કે મતદારો ભાજપને સમર્પિત છે.  અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ મત માંગવાનો અને બેનર લગાવવાનો અધિકાર છે. જો તમને કોંગ્રેસનું  પંસદ ન હોય તો અમે ભાજપનું બેનર પણ નહી રહેવા દઇએ. તેમ કહીને એપાર્ટમેન્ટના રહીશોએ ભાજપનું બેનર પણ ફાડીને ઉતારી દીધું હતું. અંતે  ભાજપના કાર્યકરો માફી માંગીને ત્યાંથી ચાલતા થયા હતા. તો કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપે ખાસ ટીમ બનાવી છે કે જે માત્ર કોંગ્રેસના બેનર હટાવવાનું કામ કરે છે. જે ઘટના બકેરી સીટીમાં બની હતી.

 

Gujarat