અમદાવાદ જિ. પંચાયતની સિંગરવા, ભુવાલડી બેઠક પર ભાજપ બિનફરીફ
- શૌચાલય, પક્ષનું નામ લખ્યું ન હોવાના મુદ્દે કોંગ્રેસના ફોર્મ રદ
- ઉમેદવારી પત્રોની ચકાસણીમાં અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં518 ફોર્મ રદ, 833 માન્ય
અમદાવાદ,તા.15 ફેબ્રુઆરી 2021, સોમવાર
અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાલના તબક્કે સિંગરવા બેઠક પર મીનાબેન કુંજનસિંહ ચૌહાણ અને ભુવાલડી બેઠક પર જનક અરજણ ઠાકોર બંને ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. ભુવાલડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બુધાજી ઠાકોરે ઉમેદવારી ફોર્મમાં પક્ષનું નામ જ લખ્યું ન હોવાથી તેમનું ફોર્મ રદ જાહેર થયું છે. જ્યારે સિંગરવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ક્રિષ્ણાબેન પટેલનું ફોર્મ ઘરે શૌચાલય ન હોવાના કારણોસર રદ થયું હોવાનું જાણવા મળે છે.
પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે સોમવારે ચકાસણી હતી. જેમાં ઉપરોક્ત જિલ્લા પંચાયતની બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. આ અંગે કોંગ્રસના આગેવાનોના જણાવ્યા મુજબ તેમના ફોર્મ ખોટી રીતે રદ કરાયા છે. શૌચાલય હોવાનું એફિડેવીટ, તલાટીનું પ્રમાણપત્ર ફોર્મમાં સામેલ કરેલું જ છે. બંને ઉમેદવારોએ આ મામલે હાઇકોર્ટમાં રીટ કરવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૯૯ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી આજે ચકાસણી દરમિયાન ૭૭ ઉમેદવારી પત્રો રદ જાહેર કરાયા હતા. બાકીના ૧૨૨ ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો રદ થવાના જાણવા મળતા કારણો મુજબ ઉમેદવારોએ ડમી ફોર્મ પણ ભર્યા હોય છે. આથી મુખ્ય ફોર્મ માન્ય ઠરે તેવા કિસ્સામાં ડમી ફોર્મ રદ કરી દેવાતું હોવાથી ફોર્મ રદની સંખ્યા વધી જાય છે.
બારેજા નગર પાલિકામાં કુલ ૧૧૧ ઉમેદવારી ફોર્મ માંથી ૧૯ અમાન્ય ઠર્યા છે જ્યારે ૯૨ માન્ય ઠર્યા છે. બારેજા પાલિકામાં કુલ ૯૮ માંથી ૩૫ ફોર્મ રદ થયા છે જ્યારે ૬૩ માન્ય રખાયા છે. વિરમગામનગર પાલિકામાં ૧૪૦ ઉમેદવારી ફોર્મમાંથી ૧૧૦ અમાન્ય ઠર્યા છે. જ્યારે ૪૩ માન્ય ઠર્યા છે.
તાલુકા પંચાયતની વાત કરીએ તો દેત્રોજ-રામપુરામાં ૩૪ અમાન્ય, ૫૦ માન્ય, ધંધૂકામાં ૧૯ અમાન્ય, ૪૭ માન્ય, માંડલમાં ૧૨ અમાન્ય, ૫૨ માન્ય, બાવળામાં ૩૪ અમાન્ય, ૬૦ માન્ય, વિરમગામમાં ૪૧ અમાન્ય, ૫૯ માન્ય, ધોળકામાં ૩૮ અમાન્ય , ૬૪ માન્ય, સાણંદમાં ૩૭ અમાન્ય, ૮૦ માન્ય, દસક્રોઇમાં ૪૮ અમાન્ય, ૫૭ માન્ય અને ધોલેરા તાલુકા પંચાયતમાં ૧૪ ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે. જ્યારે ૪૪ ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે.
આગામી તા.૧૭ ફેબુ્રઆરીના રોજ ઉમેદવારી પત્રો પરત કેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે પંચાયત, પાલિકાની ચૂંટણીની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.