'બોડી બિલ્ડીંગમાં મહિલાઓ પણ કેરિયર બનાવી શકે છે'
સ્ટેટ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૃચની પિનલ પરમારને સિલ્વર મેડલ
ભંરૃચ તા.૩૦ જાન્યુઆરી ૨૦૧૯,બુધવાર
બોડી બિલ્ડરનુ નામ પડે એટલે તરત નજર સામે મજબૂત બાંધો ધરાવતો અને શરીર સૌવ ધરાવતો પહેલવાન દેખાય. બોડી બિલ્ડર તરીકે મહિલાઓ હોઇ શકે તે માનવા હજુ આપણે તૈયાર નથી. આવા સમયમાં ભરૃચની એક યુવતીએ બોડી બિલ્ડીગ ક્ષેત્રમાં કારકીર્દી બનાવવાનું મન બનાવ્યુ છે.તેના પહેલા પડાવમાં જ આ યુવતીને સફળતા મળી છે. સામાન્ય પરિવારની આ યુવતીની ત્રણ વર્ષની મહેનત રંગ લાવી છે. બોડી બિલ્ડીંગની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પીનલ પરમારે બીજો ક્રમાંક મેળવીને આ ક્ષેત્રમાં આવવા ઈચ્છતી યુવતીઓ માટેના દરવાજા ખોલી આપ્યા છે.
આ ઉદાહરણ ભરૃચની પીનલ અરૃણભાઈ પરમારે ઉભું કર્યુ છે. જે ભરૃચના નવી વસાહત વિસ્તારમાં રહે છે. ૨૭ જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોશીએશન ગુજરાત દ્વારા મેન અને વુમન એમ બે કેટેગરીમાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયુ હતું. જેમાં ભરૃચની પીનલ પરમાર બીજા ક્રમાંકે વિજેતા બની છે. આખા ગુજરાતમાં બીજો ક્રમાંક મેળવી તેણે ભરૃચ જિલ્લાનુ અને તેના પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
પીનલ પરમાર સાથે આ અંગે વાત કરતાં તેણે કહ્યુ કે, ગુજરાતની છોકરીઓ આ ક્ષેત્રથી દુર રહે છે. તેઓ આ ક્ષેત્રને પસંદ નથી કરતી. કેટલીક છોકરીઓ આવવા માંગે છે પરંતુ લોકો શું કહેશે? સફળ થવાશે કે કેમ? બિકિની પહેરવી પડશે તો ? પરિવાર સપોર્ટ કરશે કે નહીં? તેવા બધા સવાલોથી ડર અનુભવે છે. આવી છોકરીઓને પ્રોત્સાહન મળે તે માટે તેણે પાંચ વર્ષ પહેલા બોડી બિલ્ડર બનવાનું નક્કી કર્યુ હતું. જીમ કરવાનું શરૃ કર્યુ હતુ.ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે છેલ્લા ત્રણ વર્ષથી દૂર રહીને મહેનત કરી રહી છે. સવારે ચાર વાગ્યે ઉઠીને અને રાત્રે બાર વાગ્યા સુધી કસરત કરવી પડે છે. દિવસ દરમિયાન નોકરી અને એકલી રહેતી હોવાથી ઘરના કામકાજ તો ખરા જ . છેલ્લા ત્રણ મહિનામાં થોડા કલાકો માટે જ પરિવારને મળી. ડાયટ પ્લાન અનુસરવા માટે કોઈ ફેમિલી ફંકશનમાં હાજરી નથી આપી. જો કોઈ જગ્યાએ જાય તો ખાવાનુ ટાળવુ પડે.
તેણે એમ પણ જણાવ્યુ કે, બોડી બિલ્ડીંગ માત્ર શરીરને મજબુત બનાવવાનું ફિલ્ડ માત્ર નથી. બોડી બિલ્ડીંગ સમયપાલન અને એક પ્રકારનું અનુશાસન પણ શીખવે છે. તેમજ નિયમિત કસરત કરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે.