Get The App

ભાણેજ નયન અમીને વૃદ્ધ માસીની હત્યા કરવા માટે બે લાખની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ

સુલોચનાબેન પર અન્ય પાંચ ઘા ઝીંકનાર કોણ ? ભાણેજ નયન કે અન્ય કોઇં

ચાકૂનો ઘા વાગતા સુલોચનાબેન જમીન પર પડી જતા હેમંતે ૧૦ મિનિટ સુધી મોંઢું દબાવી રાખ્યું

Updated: Oct 17th, 2023

GS TEAM

Google News
Google News
ભાણેજ નયન અમીને વૃદ્ધ માસીની હત્યા કરવા માટે બે લાખની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ 1 - image

વડોદરા,૧૦૦ કરોડના પ્રોપર્ટીમાં મનદુખ થતા ૬૭ વર્ષના માસીની હત્યા કરવામાં સામેલ આરોપીઓની મકરપુરા પોલીસે આજે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, સુલોચનાબેનના ભાણેજ નયન અમીને મર્ડર કરવા માટે હેમંત પટેલને બે લાખમાં સોપારી આપી  હતી. સુલોચનાબેનનું મર્ડર થયા પછી નયન હેમંતને રૃપિયા ચૂકવવાનો  હતો. પરંતુ, તે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસની  પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,  હેમંતે સુલોચનાબેનને માત્ર એક જ ઘા માર્યો હતો. જ્યારે સુલોચનાબેનને છ ઘા મારવામાં આવ્યા હતા.  અન્ય ઘા માસીના ભાણેજ  નયને જ માર્યા   કે અન્ય કોઇએ તે દિશામાં પોલીસે તપાસ શરૃ કરી છે. 

તરસાલી અમીન ખડકીમાં રહેતા ૬૭ વર્ષના  સુલોચનાબેન હસમુખભાઇ અમીનને તેમના ભાણેજ નયન ઉર્ફે લાલુ અતુલભાઇ અમીન તથા અન્ય એક કૌટુંબિક ભત્રીજા હેમંત પટેલે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. મકરપુરા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. 

પૂછપરછ અને તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, રાતે દશ વાગ્યે નયન અને  હેમંતે મર્ડના પ્લાનિંગને આખરી ઓપ આપ્યો હતો. ઘરમાં ચાકૂ ક્યાં મૂક્યું છે ?  તે અંગે તેને હેમંતને વાકેફ કરી દીધો હતો. ત્યારબાદ નયન ઘરની બહાર નીકળી ગયો હતો. અને હેમંતે સુલોચનાબેનના રૃમનો દરવાજો ખખડાવ્યો હતો. સુલોચનાબેને દરવાજો ખોલતા જ હેમંતે ચાકૂ બતાવતા સુલોચનાબેન ડરી  ગયા હતા. અને બૂમાબૂમ શરૃ કરી હતી. જેથી,  હેમંતે તેઓને પેટમાં ચાકૂનો ઘા મારતા સુલોચનાબેન જમીન પર પડી ગયા હતા. દશ મિનિટ સુધી હેમંતે સુલોચનાબેનનું મોંઢું દબાવી રાખ્યું હતું. ત્યારબાદ તે ઘરની બહાર નીકળી ગયો હતો. તેને સામે નયન મળ્યો હતો. અને ત્યારબાદની  ઘટના અંગે નયન હજી  પ્રકાશ પાડતો નથી. જેથી, પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.



હેમંત શટલ વાહનોમાં બેસીને પાવાગઢ પહોંચ્યો

વડોદરા,હત્યા કર્યા  પછી નયને હેમંતને ભાગી જવા માટે કહેતા હેમંત ચાલતો છેક સુશેન સર્કલ સુધી આવ્યો હતો. હેમંત પટેલને કોઇ વાહન ચલાવતા આવડતું ન  હોવાથી ત્યાંથી તે રિક્ષામાં બેસીને પોર અને કરજણ સુધી ગયા પછી પરત વડોદરા આવ્યો હતો. તે  છાણી જકાતનાકા, દુમાડ હાઇવે, ગોલ્ડન ચોકડી, હાલોલ ટાઉન અને છેવટે પાવાગઢ ગયો હતો. જ્યાં પોલીસે તેને ઝડપી લીધો. 


 લોહીના ડાઘા સાફ કરી રૃમને તાળું મારી દીધું

નયન અમીન તથા હેમંત પટેલે ભેગા મળીને સુલોચનાબેનની હત્યા માટે પ્લાનિંગ કર્યુ હતું. મર્ડર કર્યા પછી નયને હેમંતને રવાના કરી દીધો હતો. અને તેણે ઘરમાંથી લોહીના ડાઘા પણ  સાફ કરી નાંખી પુરાવાનો નાશ કર્યો હતો. તે ઉપરાંત કપડા પર લાગેલા ડાઘા પણ તેણે પાણીથી સાફ કરી નાંખ્યા હતા. ત્યારબાદ માસીની લાશને રૃમમાં રાખી દરવાજાને તાળું મારી દીધું હતું.


નયને લગ્ન કર્યાના બે મહિનામાં જ છૂટાછેડા થઇ ગયા હતા

 વડોદરા,પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, સુલોચનાબેનનો ભાણેજ નયન અમીન રેતી કપચીનો ધંધો કરે છે. તેના પિતા અતુલભાઇ અમીન તથા માતા તારાબેન અમીન તેના ભાઇ ભાવેશ સાથે તરસાલીની જય સાંઇધામ  પાર્ક સોસાયટીમાં રહે છે. નયનના  અગાઉ લગ્ન થઇ  ગયા હતા. પરંતુ, બે મહિનામાં છૂટાછેડા થઇ ગયા હતા. અન્ય આરોપી હેમંત પણ દારૃ પીવાની ટેવવાળો હોવાથી તેની પત્ની જતી રહી  હોવાનું પોલીસે જણાવ્યું હતું.


સુલોચનાબેનનો પુત્ર આજે અમેરિકાથી આવી જશે

પી.એમ.પછી મૃતદેહને કોલ્ડરૃમમાં રાખવામાં આવ્યો

વડોદરા,અમેરિકા રહેતા સુલોચનાબેનનો પુત્ર વડોદરા આવવા નીકળી  ગયો છે. અને આજે મોડીરાતે તે વડોદરા આવે તેવી શક્યતા છે.

સયાજી હોસ્પિટલમાં સુલોચનાબેનના મૃતદેહનું  પી.એમ. કર્યા  પછી તેમના મૃતદેહનો કબજો તેમના સગા ભત્રીજા કલ્પેશકુમાર શાંતિલાલ અમીન ( રહે. કબીર  રેસિડેન્સી, આઇ.ડી.બી.આઇ. બેન્કની  પાછળ, મકરપુરા રોડ)ને સોંપવામાં આવ્યો હતો. કલ્પેશે કાકીનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડરૃમમાં મૂકાવ્યો છે. સુલોચનાબેનનો દત્તક પુત્ર સંજય પટેલ અમેરિકા હોવાથી તેઓ ત્યાંથી વડોદરા આવવા નીકળી  ગયા છે. અને આજે મોડીરાતે તેઓ વડોદરા આવે તેવી શક્યતા છે. અને આવતીકાલે સુલોચનાબેનની અંતિમવિધિ થવાની શક્યતા છે.


મર્ડરમાં એક જ ચાકૂનો ઉપયોગ થયો હતો

વડોદરા, નયને પોતાના બચાવમાં પોલીસ સમક્ષ એવી કેફિયત રજૂ કરી હતી કે, હેમંતે ચપ્પુના ઘા માર્યા હતા. અને મેં હાથ પકડી રાખી મોંઢું દબાવી રાખ્યું હતું. પરંતુ, હેમંતે પોલીસને કહ્યું હતું કે, મેં માત્ર એક જ ઘા માર્યો હતો. અન્ય ઘા નયને માર્યા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુલોચનાબેનના શરીર પર છ ઘા હતા. જેથી, અન્ય પાંચ ઘા નયન કે અન્ય કોઇએ ઝીંંક્યા હોવાની શક્યતા છે. જોકે, મર્ડરમાં એક જ ચાકૂનો ઉપયોગ થયો હતો. જે ચાકૂ  પોલીસે કબજે લીધું છે.


 તું નીકળી જા, બાકીનું કામ હું પતાવી દઇશ

મર્ડરમાં ત્રીજી વ્યક્તિની સંડોવણી અંગે પોલીસે તપાસ શરૃ કરી

વડોદરા,પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, નયન અને હેમંતે ભેગા મળીને સુલોચનાબેનની હત્યા કરી હતી.  હેમંત રૃમની બહાર નીકળ્યો ત્યારે સામે નયન મળ્યો હતો. નયને હેમંતને કહ્યું કે, તું નીકળી જા. બાકીનું કામ હું પતાવી દઇશ. હવે  મને  કોલ ના કરીશ.  હેમંતના  ગયા પછી નયને ગરબામાં જવાનું નાટક કરી પોતાના મિત્રને બોલાવ્યો હતો. અને મિત્રની સાથે તે ગરબા જોવા માટે ગયો હતો. અંદાજે બે કલાક પછી તે પરત ઘરે આવ્યો હતો. અને માસીની લાશ  પાસેથી લોહીના ડાઘા સાફ કર્યા હતા. નયને એકલા હાથે પુરાવાનો નાશ કર્યો હોવાની વાત ગળે ઉતરે તેમ નથી. જેથી, તેના મિત્રની સંડોવણી અંગે  પણ પોલીસ તપાસ કરી રહી છે. અને મોબાઇલની કોલ ડિટેલ્સની ચકાસણી કરવામાં આવી રહી છે.


પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ ચકાસણી કરી

નયન પોલીસથી બચવા શરૃઆતથી જ ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે

વડોદરા,સુલોચનાબેન અમીનના  મર્ડર કેસમાં ફરિયાદી બનેલો ભાણેજ નયન અમીન જ આરોપી બની ગયો હતો. પોલીસથી બચવા માટે તેણે શરૃઆતથી જ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. આ મર્ડર કેસમાં આરોપી દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. તે સ્ટેટમેન્ટને  સપોર્ટ કરતા એવિડન્સ  પણ પોલીસ દ્વારા કલેક્ટ કરવામાં આવે છે. જેના કારણે જ્યાં વિરોધાભાસ જણાય ત્યાં પોલીસ ઊંડી  તપાસ કરે છે. અને તેવો જ વિરોધાભાસ નયનના સ્ટેટમેન્ટમાં જણાઇ આવતો હતો. નયને પોતે ગરબામાં ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પરંતુ, તેના મોબાઇલનું લોકેશન અને તરસાલી અમીન ખડકીમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરામાં તેનું લોકેશન અમીન ખડકીનું જ બતાવતું હતું.

Tags :