Get The App

ઈલેક્ટ્રિક વાહન પોલિસીમાં ગુજરાતમાં લોકોને ફાયદો : મહારાષ્ટ્રમાં સરકારી વાહનોને પ્રોત્સાહન

Updated: Jul 19th, 2021

GS TEAM


Google News
Google News
ઈલેક્ટ્રિક વાહન પોલિસીમાં ગુજરાતમાં લોકોને ફાયદો : મહારાષ્ટ્રમાં સરકારી વાહનોને પ્રોત્સાહન 1 - image


પોલિસીના તુલનાત્મક અભ્યાસમાં બન્ને રાજ્યોમાં સબસીડીના ધોરણોમાં પણ તફાવત

ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટુ વ્હિલરને વધારે મહત્વ પરંતુ ખાનગી ચાર્જીંગ સ્ટેશનમાં સહાય નહીં

મહારાષ્ટ્રમાં શહેરો તરફ વધારે ઝોક,  શહેરી વિસ્તારમાં વધારે ચાર્જીંગ સ્ટેશન પર મંજૂર કરાશે

ગાંધીનગર, રવિવાર

દેશના વિવિધ રાજ્યો ઇલેક્ટ્રિક વાહન (ઇવી) પોલિસીની જાહેરાત કરી રહ્યાં છે ત્યારે ગુજરાતે તાજેતરમાં જાહેર કરેલી ઇવી પોલિસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ચાર્જીંગ સ્ટેશન અને સામાન્ય લોકોની મુસાફરી માટે વપરાતાં વાહનોમાં સબસીડીના અલગ અલગ ધોરણો પર વધારે ભાર મૂક્યો છે.

ગુજરાત પછી મહારાષ્ટ્ર રાજ્યએ ઇવી પોલિસી બનાવી છે પરંતુ તેમાં સરકારી વાહનોને ઇવીમાં ફેરવવા, ખાનગી ચાર્જીંગ સ્ટેશનમાં ટેક્સ બેનિફિટ તેમજ શહેરોને કેન્દ્રીત કર્યા છે. આ બન્ને પોલિસીનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગુજરાત સરકારે સામાન્ય વાહનચાલકો સબસીડી સાથે વધુ ઇલેક્ટ્રિક વાહનો આસાનીથી ખરીદી શકે તેવી વ્યવસ્થા કરી છે.

મહારાષ્ટ્રની પોલિસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના વાહનોની સાથે સરકારી વાહનો ઇલેક્ટ્રિક કરવાની જોગવાઇ છે, જ્યારે ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે ગુજરાતનો ઇરાદો પર્યાવરણ શુદ્ધતા સાથે પ્રદૂષણની માત્રા ઘટાડવાનો હોઇ શકે છે.

બીજી તરફ ગુજરાત સરકારે ઈવી ચાર્જીંગ સ્ટેશન માટે સબસીડીના ધોરણો નક્કી કર્યા છે પરંતુ ખાનગી સ્થળે ચાર્જીંગ સ્ટેશન માટે કોઇ રાહતની જાહેરાત કરી નથી. હાલના સરકારી વાહનોને ઇવીમાં કન્વર્ટ કરવા માટે પણ સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે બન્ને રાજ્યોની પોલિસીમાં પ્રથમ તબક્કો જાહેર પરિવહનમાં પરિવર્તન કરવાનો છે.

ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જીંર્ગ માટે મહારાષ્ટ્ર સરકાર સાત શહેરોમાં પાંચ વર્ષમાં 2500 ચાર્જીંગ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવા માગે છે જ્યારે ગુજરાતનો ઇરાદો શહેરો ઉપરાંત નેશનલ, સ્ટેટ હાઇવે તેમજ મહત્વના માર્ગો પર સ્ટેશન સ્થાપવાનો છે. મહારાષ્ટ્રની પોલિસીમાં મહત્વની બાબત એવી છે કે એપ્રિલ 2022થી રાજ્યના નવા સરકારી વાહનો ઇલેક્ટ્રિકમાં ફેરવાશે.

આ પોલિસીની જોગવાઇ પ્રમાણે નવી રેસિડેન્સિયલ બિલ્ડીંગમાં 20 ટકા, કોમર્શિયલ બિલ્ડીંગમાં 25 ટકા તેમજ સરકારી કાર્યાલયોમાં 100 ટકા ઈવીના પાર્કિંગ ફાળવાશે. સરકારે ખાનગી બિલ્ડીંગ માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાનું પણ નક્કી કર્યું છે, જ્યારે ગુજરાતની પોલિસીમાં આવી કોઇ જોગવાઇ જોવા મળતી નથી.

ગુજરાત સરકારે વાહનની ક્ષમતા પ્રમાણે ટુ વ્હિલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલર માટે વાહનની ક્ષમતા પ્રમાણે સબસીડીના ધોરણો નક્કી કર્યા છે જ્યારે મહારાષ્ટ્ર સરકારે 31મી ડિસેમ્બર 2021 સુધીમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદી માટે વાહનચાલકોને દોઢ ગણી સબસીડી આપવાનું નક્કી કર્યું છે. જો કે ત્યારબાદ સબસીડી અપાશે પરંતુ તે નિયત કરેલી રકમમાં હશે. ગુજરાતમાં આવી કોઇ જોગવાઇ નથી.

મહારાષ્ટ્રની પોલિસીની મુખ્ય ખાસિયતો

* 2025 સુધી વાહન નોંધણીમાં 90 ટકા હિસ્સો ઇવીનો હશે.

* છ શહેરોમાં 25 ટકા સાર્વજનિક વાહનો ઇલેક્ટ્રિક હશે.

* સાત શહેરોમાં પાંચ વર્ષમાં 2500 ચાર્જીંગ સ્ટેશન બનશે.

* નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ચાર્જીંગ સ્ટેશન પાર્કિંગ ફરજીયાત રહેશે.

* ખાનગી જગ્યામાં ચાર્જીંંગ સ્ટેશન માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત.

* સરકારી કાર્યાલયોમાં 100 ટકા ઇવી પાર્કિંગ સ્ટેશન.

* ટુ વ્હિલર ખરીદવા માટે 10000ની સબસીડી

* રીક્ષા ખરીદવા માટે 30000ની સબસીડી

* ફોર વ્હિલર ખરીદવા માટે 1 લાખની સબસીડી

* પોલિસી પ્રમાણે 930 કરોડનો ખર્ચ કરાશે.

ગુજરાતની પોલિસીની મુખ્ય ખાસિયતો

* ટુ વ્હિલર માટે 20000ની સબસીડી

* રીક્ષા માટે 50000ની સબસીડી

* ફોર વ્હિલર માટે 1.50 લાખની સબસીડી (વાહનની ક્ષમતા એટલે કે કિલોવોટ પ્રમાણે આ સબસીડી અપાશે.)

* ચાર્જીંંગ સ્ટેશન ઉભા કરવા 10 લાખની મર્યાદામાં 25 ટકા કેપિટલ સબસીડી

* 500 ચાર્જીંગ સ્ટેશન બનાવાશે.

* ચાર વર્ષમાં બે લાખ ઇવી વાહનનો લક્ષ્યાંક

* ગુજરાત સરકાર 870 કરોડનો ખર્ચ કરશે.

* મોટર નોંધણી ફીમાં 100 ટકા મુક્તિ

* ચાર વર્ષમાં 1.10 લાખ ટુ વ્હિલર, 70 હજાર રીક્ષા અને 20 હજાર ફોર વ્હિલરનો લક્ષ્યાંક

Tags :