કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવે તે પહેલા એમ.એસ.યુનિવર્સિટીનું તંત્ર ટેન્શનમાં આવી ગયું
પદવીદાન સમારોહમાં સેંકડો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા યુનિવર્સિટી હાય... હાય...ના નારા લાગ્યા, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા
વડોદરા : શનિવારે સાંજે સયાજી નગરગૃહ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના મુખ્ય અતિથિ પદે યોજાયેલા એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પહેલા જ નગરગૃહ હાઉસ ફુલ થઇ ગયુ હતુ જેના પગલે કેટલાક વિદ્યાર્થીઓને એન્ટ્રી નહી મળતા હોબાળો મચી ગયો હતો અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વિરૃધ્ધમાં નારેબાજી કરતા તંત્ર દોડતુ થઇ ગયો હતું અને વિદ્યાર્થીઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ પણ બન્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીની પરંપરા મુજબ તો પદવીદાન સમારંભ યુનિવર્સિટી કેમ્પસમાં જ યોજાય છે અને તે માટે શુક્રવાર સાંજ સુધીમાં પદવીદાન સમારોહ સ્થળ પર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી પરંતુ શનિવારે પડેલા ભારે વરસાદના કારણે સમારોહ સ્થળ પરનો મંડપ ઉખડી ગયો હતો અને પાણી ભરાતા પદવીદાનનું સ્થળ બદલીને અકોટા વિસ્તારમાં આવેલા સયાજી નગરગૃહ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. દરમિયાન સ્થળ બદલવાથી ઉભી થયેલી બેઠક વ્યવસ્થાની સમસ્યાની જાણકારી એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વડોદરા બહારના વિદ્યાર્થીઓને આપવામાં આવી નહતી એટલે આવા વિદ્યાર્થીઓ આજે નિયત કાર્યક્રમ મુજબ આવી પહોંચ્યા હતા અને વડોદરા આવ્યા બાદ સ્થળની જાણકારી મળતા તેઓ સીધા સયાજી નગરગૃહ ખાતે પહોંચ્યા હતા જ્યારે કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવવાના હોવાથી પણ વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. બીજી તરફ બપોરે ચાર વાગ્યા સુધીમાં જ ઓડિટોરિયમ હાઉસફુલ થઇ ગયુ હતું અને સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચીત રહી ગયા હતા. જેથી આ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને પ્રવેશ આપવાની માગ સાથે યુનિવર્સિટી હાય... હાય... ના નારા લગાવ્યા હતા.
અચાનક થયેલા હોબાળાના પગલે બંદોબસ્તામાં હાજર પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયુ હતું અને હોબાળો મચાવતા વિદ્યાર્થીઓને ધક્કા મારીને નગરગૃહના કેમ્પસમાંથી બહાર કાઢવાનું શરૃ કરતા વિદ્યાર્થીઓએ પણ પ્રતિકાર કરતા ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમયે યુનિવર્સિટી સત્તાધિશોએ પણ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યા હતા. જો કે પોલીસના બળ પ્રયોગ સામે લાચાર વિદ્યાર્થીઓ આખરે શાંત થઇ ગયા હતા.