બોર્ડ એક્ઝામના ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે જ BCA દ્વારા U-૧૯ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટના આયોજનથી વિવાદ
શહેરની ૩૦૦થી વધુ ખાનગી અને સરકારી સ્કૂલોમાંથી બીસીએ દ્વારા ટુર્નામેન્ટ માટે માત્ર ૧૬ સ્કૂલોને જ આમંત્રણ અપાયુ
છેલ્લે ૨૦૧૫માં ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ યોજાઇ હતી, BCAના હોદ્દેદારો પરફોર્મન્સ બતાવવાની ઉતાવળમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડશે
વડોદરા,સોમવાર
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-૧૯ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે જેનો તા.૧૧ ફેબુ્રઆરી,
મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ આ ટુર્નામેન્ટના આયોજનથી વિવાદ ઉભો થયો છે કેમ કે બોર્ડ એક્ઝામના ઠીક
પહેલા જ ટુર્નામેન્ટ યોજાઇ રહી હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર અને પરીક્ષા પર સીધી અસર થશે જેના કારણે વડોદરા
સ્કૂલો અને વાલીઓ આનો વિરોધ કરી રહ્યા છે.
અગાઉ બીસીએ દ્વારા મહારાણી શાંતાદેવી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ યોજાતી હતી પરંતુ બીસીસીઆઇની મેચોના ઓવરલોડના
કારણે વર્ષ ૨૦૧૫માં આ ટુર્નામેન્ટ બંધ કરી દેવામાં આવી હતી. હવે નવા ચૂંટાઇ આવેલા હોદ્દેદારો પરફોર્મન્સ બતાવાની
ઉતાવળમાં આ ટુર્નામેન્ટ ફરીથી ચાલુ કરી રહ્યા છે. સ્કૂલ લેવલથી જ જો યોગ્ય વાતાવરણ મળે તો સારા ક્રિકેટર મળી શકે
તેવા હેતુથી આ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે જે સારી વાત છે પરંતુ હોદ્દેદારો ઉતાવળમાં ટુર્નામેન્ટનું ટાઇમ ટેબલ તૈયાર
કરવામાં ગોથુ ખાઇ ગયા છે કેમ કે માર્ચના પ્રથમ સપ્તાહમાં બોર્ડ એક્ઝામનો પ્રારંભ થઇ રહ્યો છે જ્યારે ૧૧ ફેબુ્રઆરીથી
શરૃ થતી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તા.૨૫ ફેબુ્રઆરીએ રમાશે મતબલ કે બોર્ડ એકઝામના એક સપ્તાહ
પહેલા જ યોજાશે. અંડર-૧૯માં મોટાભાગના ખેલાડીઓ ધો.૧૦ અને ધો.૧૨માં અભ્યાસ કરતા હોય છે. હવે આવા સમયે
જ ટુર્નામેન્ટના કારણે તેમની પરીક્ષાની તૈયારીમાં વિપેક્ષ થશે.
જો કે બીસીએ મેનેજમેન્ટનું કહેવું છે કે આ વર્ષે ટુર્નામેન્ટ શરૃ કરવામાં ઉતાવળ થઇ છે પરંતુ આવતા વર્ષથી આ ટુર્નામેન્ટનું ટાઇમ ટેબલ એ રીતે ગોઠવવામાં આવશે કે પરીક્ષાઓ સાથે મેચ ના થાય.
શહેરની ૩૦૦થી વધુ ખાનગી અને સરકારી સ્કૂલોમાંથી બીસીએ દ્વારા ટુર્નામેન્ટ માટે માત્ર ૧૬ સ્કૂલોને જ આમંત્રણ અપાયુ
ટુર્નામેન્ટમાં એક પણ સરકારી સ્કૂલ નથી માત્ર ખાનગી સ્કૂલોનો જ સમાવેશ, ગર્લ્સ ટીમને પણ તક નથી અપાઇ
બીસીએ દ્વારા યોજાઇ રહેલી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ બોર્ડ એક્ઝામ સમયે જ યોજાઇ રહી છે એ વિવાદ ઉપરાંત બીજો વિવાદ
એવો પણ છે કે આ ટુર્નામેન્ટમાં હોદ્દેદારોને મનગમતી 'સિલેક્ટેડ' ૧૬ ખાનગી સ્કૂલોને જ આમંત્રણ અપાયુ છે.
વડોદરામાં ખાનગી અને સરકારી મળીને ૩૦૦થી વધુ સ્કૂલો છે જેમાંથી માત્ર ૧૬ સ્કૂલોને જ આમંત્રણ અપાયુ છે તેમાં પણ
સરકારી એક પણ સ્કૂલ નથી આમ સરકારી સ્કૂલો સાથે પણ બીસીએ દ્વારા ભેદભાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ
ટુર્નામેન્ટમાં ગર્લ્સ ટીમને પણ સ્થાન નથી અપાયુ.
CEO પોસ્ટ માટે ૨૦૦ એપ્લિકેશન આવી, બે GMની પણ નિમણૂક થશે
નવા બંધારણ પ્રમાણે હવે દરેક ક્રિકેટ એસોસિએશને સીઇઓની પણ નિમણૂક કરવી પડશે જે અનુસંધાને બીસીએ દ્વારા
પણ સીઇઓની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પોસ્ટ માટે બીસીએને ૨૦૦થી વધુ એપ્લિકેશન મળી છે
આ ઉપરાંત બે જનરલ મેનેજરની પોસ્ટ માટે પણ સંખ્યા બંધ એપ્લિકેશન આવી છે. બીસીએના પ્રમુખ પ્રણવ અમીને કહ્યું
હતું કે માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં સીઇઓ અને બે જનરલ મેનેજરની નિમણૂક કરી દેવાશે.