Get The App

વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: સાત મહિનાથી વોન્ટેડ આરોપીની કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

Updated: Nov 4th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા કોલ સેન્ટર  કૌભાંડ: સાત મહિનાથી વોન્ટેડ આરોપીની કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી 1 - image

વડોદરા, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર

કોલ સેન્ટર થકી અમેરિકન નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં પોલીસે અગાઉ 13 આરોપીની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપીએ અત્રેની અદાલતમાં પોતાની આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. જેની સુનાવણી યોજાતા અદાલતે તે અરજને નામંજુર કરવાનો હુકમ અદાલતે કર્યો છે. 

અમેરીકન નાગરીકો સાથે છેતરપીંડી કરીને કરોડોનું કૌભાંડ આચરનાર કોલ સેન્ટર વડોદરાના હરણી વિસ્તારમાંથી ઝડપાયુ હતું. આ ગુનામાં પોલીસે અગાઉ 13 વ્યક્તિઓની  ધરપકડ કરી હતી. અમેરિકાની સોશ્યલ સિક્યુરીટી એડમીનીસ્ટ્રેશનના નામે અમેરીકનોને ફોન કરીને તેઓની સામે મની લોન્ડરીંગ તેમજ ડ્રગ્સ ટ્રાફીંકીંગ કેસના વોરંટ ઇસ્યુ થયા હોવાનો કોલ સેન્ટરના કોલરો દ્વારા દમ મારવામાં આવતો હતો. તેની પતાવટના ભાગરૂપે ગીફ્ટ કાર્ડની ખરીદી કરાવી 100થી 500 ડોલર ફીઝ વસૂલાત કરવામાં આવતી હતી. જે ફીઝના મેળવેલા નાણાં ઇન્ડીયન કરન્સીમાં આંગડીયા મારફતે ટ્રાન્સફર કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવતુ હતું.

આ કેસની તપાસ દરમિયાન વિશાલ નરેન્દ્ર અમીન (રહે- રાજેશ્વર પ્લેનેટ ,વાલમ હોલ પાસે, હરણી,વડોદરા)ની સંડોવણી સપાટી પર આવી છે. પોલીસની ધરપકડથી બચવા આરોપીએ અત્રેની સેશન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન માહિતી રજૂ કરી હતી. જે અરજીની સુનાવણી હાથ ધરાતા અદાલતે નોંધ્યું હતું કે , અરજદાર આરોપીએ અનેક વખત આ ગુનામાં પકડાયેલા આરોપીઓ સાથે વાતચીત કરી નાણાકીય લેવડ-દેવડ કરી સક્રિય ભૂમિકા ભજવી હોય હાલના તબક્કે આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી છે. આમ બંને પક્ષના વકીલોની દલીલો તથા પુરાવા ધ્યાને લેતા અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

Tags :