વડોદરામાં તરસાલી-સુસેન રોડ પર આવેલા ઉનડદીપ એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી : કોર્પોરેશનની નોટિસ
વડોદરા,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરાના તરસાલી સુસેન રીંગ રોડ પર આવેલા ઉનડદીપ કોમ્પલેક્ષના A ટાવરની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની કે નુકશાન થયો ન હતુ. પરંતુ બિલ્ડરની કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયલા મટીરીયલ સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.
બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના તરસાલી સુસેન રીંગ રોડ પર આવેલું 20 વર્ષ જૂનું ઉનડદીપ કોમ્પલેક્ષમાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો પણ આવેલી છે. જે દુકાનોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે. તેવા ઉનડદીપ કોમ્પલેક્ષના A-ટાવરમાં ફ્લેટ ધરાવતો લોકો ઘોર નિંદ્રામાં હતા.
તેવામાં કોમ્પલેક્ષના A ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. બોમ્બ ધડાકા જેવો અવાજ આવતા કોમ્પલેક્ષમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યાં હતા. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે કોમ્પલેક્ષમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલા કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા સમગ્ર સામે પણ સવાલો ઉભા થઇ રહ્યાં છે.
આ બનાવના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિભાગે ઉનડદીપ એપાર્ટમેન્ટને નોટિસ આપી સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.