આરોપીને જામીન પર છોડાવવા ખોટા સોલવન્સી સર્ટિફિકેટ બનાવ્યા
વડોદરા,તા.4,નવેમ્બર,રવિવાર
શહેરના જેપીરોડ પોલીસે ધરપકડ કરેલા આરોપીને જામીન પર મુક્ત કરાવવા માટે જામીનદારે બોગસ સોલવન્સી સર્ટીફીકેટ રજુ કર્યું હોવાની કોર્ટ રજીસ્ટ્રારે જામીનદાર સામે જેપીરોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેપીરોડ પોલીસે થોડાક સમય અગાઉ નોકર ચોરીના ગુનામાં રાજીવ જશરાજ કંબોજ,ધૈર્ય ઉર્ફ ધનંજય કિરીટકુમાર જોષી ્ને કાજલ પ્રસાદલાલ શર્માની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને ગત ૨૯મી સપ્ટેમ્બરે કોર્ટમાં રજુ કરાતા તેઓને એક દિવસના રિમાન્ડ પર સોંપાયા હતા. ૧લી ઓક્ટોબરે રિમાન્ડ પુરા થયા બાદ ત્રણેય આરોપીઓને જામીન પર મુક્ત કરાયા હતા. આ ત્રણેય આરોપીઓ પૈકી રાજીવ કંબોજને જામીનમુક્ત કરવા જામીનદાર મનસુખ બાબુભાઈ વસાવા (મહાદેવફળિયુ,સીસવાગામ,વડોદરા)એ વકીલ મારફત ચીફ કોર્ટમાં વડોદરા ગ્રામ્યના સહિ સિક્કાસીલ સાથેનું સોલવન્સી સર્ટિફિકેટ તથા જામીન ખત રજુ કર્યુંહતું.
આ સર્ટિફિકેટની પ્રાથમિક ચકાસણીમાં તે શંકાસ્પદ લાગતા તેની ખરાઈ માટે ૬ઠ્ઠી ઓક્ટોબરે વડોદરા ગ્રામ્યના મામલતદારને સોલવન્સી સર્ટિફિકેટના અસલ કાગળો સાથે હાજર રહેવા સુચના અપાઈ હતી. મામલતદારે કોર્ટમાં હાજર રહી લેખિત જાણ કરી હતી કે મનસુખ વસાવાએ રજુ કરેલું સોલવન્સી સર્ટિફિકેટ તેમની કચેરી દ્વારા અપાયું નથી. કોર્ટમાં બોગસ સોલવન્સી સર્ટિફિકેટ રજુ કરવાના બનાવની કોર્ટ રજીસ્ટ્રાર મમતાબેન જોષીએ જેપી રોડ પોલીસમાં મનસુખ વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી.