લગ્નનું નાટક કરીને નર્સ સાથે છેતરપિંડી કરતા જામીન અરજી નામંજૂર
વિદેશ ભાગવાની પેરવી કરતો આરોપી એરપોર્ટ પરથી પકડાયો
વડોદરા,તા,8,જાન્યુઆરી,2020,બુધવાર
નર્સ સાથે લગ્નનું નાટક કરી શારીરિક સંબંધ બાંધતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતીને ગર્ભપાત કરાવ્યા પછી વિદેશ ભાગી જવાની પેરવી કરતા યુવકને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ઝડપી પાડી શહેર પોલીસને સોંપ્યો હતો. જે આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.
આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં આરોપી ચંદ્રેશ પ્રવિણચંદ્ર ભટ્ટે (રહે. અરૃણ ફલેટ ઘાટકોપર મુંબઈ મૂળ રહે. યુ.એ.ઈ.)ની માતાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ જ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી અનુસુચિત જાતિની યુવતી સાથે ચંદ્રેશ ભટ્ટની આંખો મળી ગઈ હતી. તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું મરી જઈશ અને તારૃં નામ લખી તને બદનામ કરી દઈશ તેવી ધમકીઓ આપી ચંદ્રેશે યુવતીને પોતાના વશમાં કરી હતી. પોતે ડિવોર્સી હોવાની વિગતો છૂપાવીને ચંદ્રેશ ભટ્ટે નર્સ સાથે લગ્નનું નાટક કર્યું હતુ. અને હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધતા નર્સ યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતીને પટાવી ફોસલાવીને ચંદ્રેશે ગર્ભપાત કરાવી યુવતીને તરછોડી દીધી હતી. જે અંગે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ થી યુ.એ.ઈ. ભાગવાની પેરવી કરતો ચંદ્રેશ મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન ડિપાર્ટમન્ટના હાથે ઝડપાઈ ગયો હતો. જેને શહેર પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. ચંદ્રેશે જામીન પર મુક્ત થવા માટે કરેલી અરજી ન્યાયાધીશ એસ.સી. ગાંધીએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ ભાવિક પુરોહિતે રજૂઆતો કરી હતી.