વડોદરામાં ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજનાના બાળકો માટે આયુષ્યમાન કેમ્પ યોજાયો
વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળકો માટે પી.એમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં કોવિડ-19 રોગચાળાના સમય દરમિયાન બંન્ને માતા-પિતા અથા કાયદેસર વાલી અથવા દત્તક માતા-પિતા ગુમાવ્યા છે એવા વડોદરા જિલ્લાના 16 બાળકો લાભ લઈ રહ્યા છે. આ બાળકોને આરોગ્ય સુખાકારી માટે વીમા કવચ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટસ દ્વારા સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો માટે તૈયાર કરેલ બાળ સ્વરાજ પોર્ટલમાં “ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના”(CISS)”માં વડોદરા જિલ્લાના 112 બાળકોની નોંધણી કરવામાં આવી છે. આ તમામ બાળકો વડોદરાના જુદા જુદા વિસ્તારમાંથી મળી આવ્યા છે.
આ યોજનાનો લાભ લઈ રહેલ બાળકો તથા તેમના વાલી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા દ્વારા ગુરુવારે આયુષ્માન કાર્ડ એક્ટીવ કરાવવા તથા નવા આયુષ્માન કાર્ડ કઢાવવામાં માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનામાં તમામ બાળકોનો આયુષ્માન કાર્ડ એકટીવ કરાવી અને “ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના”ના બાળકો તથા તેમના માતા-પિતા કે વાલીઓના આયુષ્માન કઢાવવા કેમ્પનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા આરોગ્ય વિભાગનાં સંકલનમાં રહી કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં બાળકો તથા તેમના માતા-પિતા કે વાલીઓના નવા આયુષ્માન કાર્ડ કાઢી આપી “ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના”ના બાળકોના 20 પરિવારને માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.
બાળકો તથા વાલીઓને રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મળી રહે તે માટે સંલગ્ન તમામ વિભાગ સાથે સંકલન કરીને યોજનાઓનો લાભ અપાવવાની કામગીરી તેમજ સીએસઆર, ટ્રસ્ટ, એનજીઓ, દાતા વિગેરે પાસેથી જરૂરીયાત પ્રમાણે મદદ અપાવવાના હેતુથી જિલ્લાના વિવિધ વિભાગના વર્ગ-1 અને 2 ના અધિકારીઓને બાવન કુટુંબ દત્તક આપવામાં આવ્યા છે. જે અંતર્ગત તેઓને દરેક કુટુંબનો તથા બાળકોના શ્રેષ્ઠહિતને ધ્યાનમાં લઈ પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવો, તેઓને સરકારની વિવિધ યોજનાઓમાં શું લાભ આપી શકાય એ અંગેનુ અયોજન તેમજ કુટુંબનુ યોગ્ય પુન:સ્થાપન થાય તે માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સીએસઆર, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાવવા અંગેની કામગીરી કરવા જણાવાયું છે.
બાળ સ્વરાજ પોર્ટલમાં “ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના”(CISS)” માં એન્ટ્રી થયેલ બાળકોને રાજય સરકારની વિવિધ યોજનાઓ સાથે સંકલન કરીને તે યોજનાઓ દ્વારા પુન:સ્થાપન અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટર અતુલ ગોર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.