Get The App

વડોદરામાં સયાજીપુરા રાત્રી બજારની દુકાનો માટે ફરીવાર હરાજીનો પ્રયાસ

Updated: Nov 3rd, 2021

GS TEAM


Google News
Google News
વડોદરામાં સયાજીપુરા રાત્રી બજારની દુકાનો માટે ફરીવાર હરાજીનો પ્રયાસ 1 - image


- અગાઉ સાતથી આઠ વખત પ્રયાસ કરવા છતાં પણ દુકાનોની હરાજી થઇ શકી ન હતી 

વડોદરા,તા.3 નવેમ્બર 2021,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજીપુરામાં રાત્રી બજારમાં 35 દુકાનો બનાવવામાં આવી છે. ચોવીસ ચોરસ મીટરનો વિસ્તાર ધરાવતી આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટે અત્યાર સુધીમાં સાતથી આઠ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ દુકાનો લેવા માટે કોઈ એ રસ દાખવ્યો નથી. હવે ફરીવાર કોર્પોરેશન આ દુકાનોની હરાજીનો પ્રયાસ કરવાની છે. કોર્પોરેશને હરાજી માટે રસ ધરાવતા લોકો પાસેથી અરજીઓ મંગાવી છે. આ અરજીઓ તારીખ 17 નવેમ્બર સુધીમાં કોર્પોરેશનમાં પહોચતી કરવાની છે. બધી અરજીઓ આવ્યા બાદ તેની ચકાસ કર્યા પછી હરાજીની તારીખ નક્કી કરવામાં આવશે. રાત્રી બજારની 35 દુકાનોમાંથી 31 જનરલ કેટેગરી માટે છે. જ્યારે બે એસ.ટી, એક એસ.સી અને એક ઓબીસી કેટેગરી માટેની છે.

ચાર વર્ષ અગાઉ કોર્પોરેશનએ રાત્રી બજાર બનાવ્યા બાદ પ્રથમવાર જાહેર હરાજીથી આ દુકાનો ફાળવવા મીનીમમ અપસેટ વેલ્યુ રૂપિયા છ લાખ અને ડિપોઝિટની રકમ પણ રૂપિયા છ લાખ નક્કી કરીને અરજીઓ મંગાવી હતી, પરંતુ એક પણ અરજી આવી ન હતી. જેથી તેમાં ભાવ ઘટાડો કરીને મીનીમમ વેલ્યુ અને ડિપોઝિટની રકમ રૂપિયા 3.11 લાખ રાખી હતી. એ પછી ત્રણ વખત જાહેરાત આપી અરજીઓ મંગાવી હતી, પરંતુ કોઈએ રસ દર્શાવ્યો ન હતો. દુકાનો લેવા કોઈ આગળ આવ્યું ન હતું. ચાર વર્ષથી રાત્રી બજારની દુકાનો ખાલી અવસ્થામાં પડી રહી હોવાથી કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. રાત્રી બજારની તમામ દુકાનો જેમ બને તેમ જલ્દી ફાળવીને આવક ઊભી કરી શકાય તે માટે મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ સવા બે લાખ રૂપિયા માંથી દોઢ લાખ રૂપિયા તાજેતરમાં કરવામાં આવી હતી. હરાજીમાં દુકાનો વેચાતી ન હોવાથી કોર્પોરેશનને મીની અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમમાં ત્રીજી વખત ઘટાડો કરવો પડ્યો હતો. વાર્ષિક ભાડા માટે મીનીમમ અને ડિપોઝિટની રકમ દોઢ લાખ નક્કી કરીને સ્ટેન્ડિંગ સમિતિએ ત્રણ વર્ષની મુદત માટે દુકાનો જાહેર હરાજીથી ફાળવવા દરખાસ્ત મંજૂર કરતા અરજીઓ મંગાવવામાં આવી છે.

Tags :