સરપંચ ઉપર હુમલોઃઆરોપીનું ફાર્મ અને ત્રણ કાર ટોળાએ સળગાવી
- કાંસની સફાઈ મામલે અંબાપુરમાં ધીંગાણું
(પ્રતિકાત્મ તસવીર)
- અડાલજ પોલીસે બન્ને ઘટનામાં ગુનો નોંધ્યો પરિસ્થિતિ થાળે પાડી ગામમાં પેટ્રોલીંગ વધારી દીધું
ગાંધીનગર, તા. 19 મે 2020, મંગળવાર
ગાંધીનગર શહેર નજીક આવેલા અંબાપુર ગામના સરપંચ ઉપર હુમલાની ઘટના બની હતી. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગામના સરપંચ સુરેશજી મફાજી રાઠોડ વરસાદી પાણીના નિકાલ માટે જેસીબીથી કાંસની સાફસફાઈ કરાવતા હતા તે સમયે અંબાપુરથી ઝુંડાલ જતાં રોડ ઉપર ચેહર માતાજીના મંદિર પાસે અડાલજના રહેવાસી જીવાભાઈ નાગજીભાઈ રબારીનું ફાર્મ આવેલું છે. આ જીવાભાઈ ત્યાં હાજર હતા અને તેમણે સાફસફાઈ કરવાની ના પાડી હતી. જે મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ત્યારબાદ સરપંચ સુરેશજી અંબાપુરથી અડાલજ જતાં રોડ ઉપર મિત્રો સાથે બેઠા હતા આ સમયે જીવાભાઈ રબારી તેમની કારમાં અન્ય પાંચ શખ્સો સાથે ત્યાં આવ્યા હતા અને સુરેશજી ઉપર લાકડીઓ અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં ઘાયલ સરપંચને સારવાર માટે ગાંધીનગર સિવિલથી ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા.
આ મામલે અડાલજ પોલીસે જીવાભાઈ રબારી તેમજ અન્ય પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તો રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે જીવાભાઈના અંબાપુર સ્થિત ફાર્મહાઉસમાં આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં ૧૫૦૦ પુળા અને ત્રણ કાર સળગી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જીવાભાઈના સગા રણછોડભાઈ ભીખાભાઈ દેસાઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ચોકીદારને ફોન કરીને પુછતાં રાત્રે સાડા દસ વાગ્યે કેટલાક માણસો મોં ઉપર રૂમાલ બાંધીને આવ્યા હતા અને કહયું હતું કે તું અહીંથી જતો રહે અમારે બધુ સળગાવી દેવાનું છે. આ મામલે બપોરે થયેલી તકરારને કારણભુત માનવામાં આવી રહી છે. હાલ તો અડાલજ પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અહીં પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.