Updated: Mar 18th, 2023
વડોદરા,રોડ પરનું પાણી બાઇક સવાર પર ઉડતા બાઇક સવાર અને તેના ત્રણ મિત્રોએ કાર સવાર પર હુમલો કર્યો હતો.જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
માંજલપુર વડસર રોડ ગજાનન પાર્ક સોસાયટીમાં રહેતો હેમલ બંકિમભાઇ નાગર બેકરીની દુકાન ચલાવે છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૧૭ મી એ સવારે આઠ વાગ્યે દુકાન ખોલી હતી.અને રાતે અગિયાર વાગ્યે દુકાન બંધ કરીને હું મારી કાર લઇને મારા ઘરે જતો હતો.તે દરમિયાન અલવાનાકા પાસે મારી કારથી રોડ પરનું પાણી એક બાઇક સવાર પર ઉડયું હતું.જેથી,તે ઉશ્કેરાયો હતો.અને તું ઉભો રહે.હું તને બતાવું છું.તેવું કહેતા નજીકમાં મારા દાદીનું ઘર હોવાથી હું ઉભો રહ્યો હતો.બાઇક સવારે તેના ત્રણ સાગરિતોને બોલાવ્યા હતા.તેઓ લાકડી અને સળિયા લઇને ધસી આવ્યા હતા.મને ગાળો બોલી ડાબા હાથના ખભા,ડાબા પગે ઇજા પહોંચાડી હતી.