નડિયાદના એસટી બસ સ્ટેન્ડમાં મોટા ખાડા પડતા મુસાફરો-ડ્રાઈવરો પરેશાન
- બે પૈકી એક જ સ્ટેન્ડ પદથી બહારગામની બસો દોડે છે તેથી મુસાફરોની સંખ્યા પણ વધારે છે
નડિયાદ, તા.20 ઓગસ્ટ 2020, ગુરુવાર
ખેડા જીલ્લાના વડા મથક નડિયાદના બસ સ્ટેશનમાં મસમોટા ખાડા પડવાને કારણે મુસાફર જનતા તેમજ બસચાલકો હેરાન થઈ રહ્યાં છે. આ ઉપરાંત મુસાફરો ખાડામાં પડી જવાના બનાવો પણ બને છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદમાં હાલ બેના બદલે એક જ બસ સ્ટેશન પરથી બસો દોડાવવામાં આવી રહી છે. ઉપરાંત અહિંથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પંચમહાલ અને અન્ય રાજ્યોમાં પણ બસો દોડાવવામાં આવે છે. આ બસ સ્ટેન્ડમાં દૈનિક એક હજારથી વધુ બસોની અવરજવરને કારણે આખો દિવસ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે.ગત સપ્તાહે પડેલા ભારે વરસાદ બાદ બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. તેમાં પણ ડાકોર, ગોધરા તથા બરોડા, સુરત તરફ જવાના પ્લેટફોર્મ નં. ૧૫ થી ૨૦ની વચ્ચે મોટા ખાડાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે.
ઘણી વખત ખાડામાં બસના પૈડાં પડવાથી ઉડતા પાણીના છાંટાથી મુસાફરોની કપડાં પણ બગડે છે. બસસ્ટેન્ડમાં આવતા મુસાફરો ખાડામાં પડી જવાના બનાવો પણ બન્યા છે. પરંતુ તંત્ર દ્વારા ખાડા પૂરવાની તસ્દી લેવામાં આવતી ન હોવાનુ સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
આ ઉપરાંત બસસ્ટેન્ડમાં નાગરિકો આવે ત્યારે આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવે છે પરંતુ બસસ્ટેન્ડમાં પડેલા ખાડા થી લોકો થતી ઇજાઓની કાળજી રાખવામાં આવતી ન હોવાનુ મુસાફરો જણાવી રહ્યા છે.દર વર્ષની જેમ ચોમાસાની ઋતુનો પ્રારંભ થાય અને બસસ્ટેન્ડમાં ગાબડા પડવાની શરૂઆત જોવા મળે છે.મૂસાફરો બસસ્ટેન્ડમાં પડેલા ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે તાકિદે એસટી વિભાગ દ્વારા આ ખાડા પુરવાની કામગીરી કરવામાં આવે તેવુ મુસાફર જનતાની માંગ છે.