ફેસબૂક પર સાસુ અને પત્ની માટે ટિપ્પણી ભારે પડી, સાસરિયાએ પતિને પટ્ટાથી ફટકાર્યા
વડોદરા,તા.11 ફેબ્રુઆરી,2020,સોમવાર
બે વર્ષ પહેલાં લગ્ન કરનાર બંને ડાઇવોર્સી પતિ-પત્ની વચ્ચે ગૃહક્લેશ થતાં ફેસબુક પર પત્ની વિશે ટિપ્પણી કરવાનું પતિને ભારે પડયું હતું.
મુજમહુડાની ખાતે રહેતા અને છુટક કામ કરતા અમિતે પોલીસને કહ્યું છે કે,મારા છુટાછેડા થતાં બે વર્ષ પહેલાં શૈલેષભાઇએ મારા લગ્ન ડાઇવોર્સી યુવતી સાથે કરાવ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે કંકાસ થતો હતો અને પુત્રી માટે ટિફિન લાવનાર સાસુએ જમાઇને પણ નહીં કહેતાં આ મુદ્દે પણ બોલાચાલી થઇ હતી.પત્ની તેના પિયર ચાલી જતાં રોષે ભરાયેલા અમિતે ફેસબુક પર કોમેન્ટ કરી હતી.
જેથી ઉશ્કેરાયેલા તેના બે સાળા,તેમના કઝિન તેમજ લગ્ન કરાવનાર શૈલેષ અને તેની પત્નીએ ગઇરાતે અમિતના ઘેર આવી તેને પટ્ટા વડે ફટકાર્યો હતો અને પાવડા વડે હુમલો કરતાં તેને સારવાર માટે ગોત્રી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.જેપી રોડ પોલીસે હુમલાખોરો સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.