રસોઇના તપેલાના ભાડા બાબતે હુમલો કર્યો
શ્રીરંગ કેટરરર્સ માલિક સામે પોલીસ ફરિયાદ
વડોદરા,તા,18,જાન્યુઆરી,2020,શનિવાર
વાઘોડિયા-ડભોઇ રીંગરોડ પર આવેલા રેસ્ટોરન્ટના માલિક અને તેના નોકર પર શ્રીરંગ કેટરર્સના માલિકે લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે ભરવાડવાસમાં રહેતો મેહુલ કાળુભાઇ ભરવાડ વાઘોડિયા-ડભોઇ રીંગરોડ પર ગોકુલેશ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. રેસ્ટોરન્ટના માલિક સાગર ઇશ્વરભાઇ પટેલે વાઘોડિયા-ડભોઇ રીંગરોડ ગુરૃકુલ ચાર રસ્તા પાસે આવેલ શ્રીરંગ કેટરરર્સના માલિક અર્પિત જગ્ગુભાઇ પાસેથી રસોઇ બનાવવાના તપેલા ભાડે લીધા હતા. જે પરત આપવા માટે ગઇકાલે સાંજે ચાર વાગ્યે રેસ્ટોરન્ટના માલિક સાગર પટેલ તથા મેહુલ ભરવાડ ગયા હતા. તપેલાના ભાડા બાબતે બોલાચાલી થતા અર્પિત જગ્ગુભાઇએ લોખંડની પાઇપ વડે હુમલો કરી મેહુલ ભરવાડને ઇજા પહોંચાડી હતી. ઉપરોક્ત ફરિયાદ અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.