લાલબાગ બ્રિજ પાસે યુવક અને તેની ગર્લફ્રેન્ડ પર હુમલો
હુમલાખોરે યુવતીને ફોન કરીને લાલબાગ બ્રિજ પાસે બોલાવી
વડોદરા, તા. 13 જાન્યુઆરી, 2020 સોમવાર
લાલબાગ બ્રિજ પાસે યુવતીને મળવા માટે બોલાવી યુવતીના બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થતા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. મકરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતો ધુ્રવ મનોજકુમાર પટેલ સીગ્મા ઇન્સ્ટિટયૂટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સાંજે પાંચ વાગ્યે ધુ્રવ અને તેના મિત્રો યુવરાજસિંહ પરમાર (રહે. હરિઓમનગર દંતેશ્વર), સન્ની, હર્ષ પટેલ, અને કૃતાર્થ શાહ અને યુવરાજની ગર્લફ્રેન્ડ બંસલમોલ પાસે ઉભા હતા. તે દરમિયાન કૃણાલ દિપકભાઇ બડગુજર (રહે. ચિરાયુનગર દંતેશ્વર)નો કોલ યુવરાજની ગર્લફ્રેન્ડ પર આવ્યો હતો. અને યુવતીને લાલબાગ બ્રિજ પાસે એકલા મળવા બોલાવી હતી. જેથી યુવરાજસિંહ અને તેના મિત્રો તથા યુવરાજની ગર્લફ્રેન્ડ લાલબાગ બ્રિજ પાસે ગયા હતા. તે દરમિયાન કૃૃણાલ, સાગર અને પ્રશાંત પટેલ બાઇક પર આવ્યા હતા, અને તેમને યુવરાજ અને યુવરાજની ગર્લફ્રેન્ડ સાથે બોલાચાલી કરી એક એક તમાચો મારી દીધો હતો. જેથી ધુ્રવ છોડાવવા માટે વચ્ચે પડયો હતો.
તુ ઝઘડામાં વચ્ચે કેમ પડે છે ? તેવું જણાવીને કૃણાલ બડગુજરે ચપ્પુ વડે ધુ્રવને છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી. ધુ્રવે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી છુટયા હતા.
બનાવ અંગે ધુ્રવની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ગુનો નોંધીને કૃણાલ બડગુજર, સાગર બડગુજર અને પ્રશાંત પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.