Get The App

કોરોના સંક્રમણમાં વધારો થતાં, અમદાવાદ મ્યુનિ.ની કોવિડ સારવાર પેટે ૨૪૫ કરોડ આપવા સરકારમાં રજુઆત

૭૦-૨૦-૧૦ હેઠળ કરવામાં આવેલા લોકભાગીદારીના કામો પેટે ૧૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવા પણ માંગ કરાઈ

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
કોરોના સંક્રમણમાં વધારો થતાં, અમદાવાદ મ્યુનિ.ની કોવિડ સારવાર પેટે ૨૪૫ કરોડ આપવા સરકારમાં રજુઆત 1 - image

અમદાવાદ,રવિવાર,2 જાન્યુ,2022

અમદાવાદ શહેરમાં કોરોના અને ઓમિક્રોનનું સંકટ વધતુ જઈ રહ્યુ છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીતેલા વર્ષમાં કોવિડ દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવામાં આવેલી રકમ પૈકી ૨૪૫ કરોડની બાકી નીકળતી રકમ ચૂકવી આપવા રાજય સરકારમાં રજુઆત કરી છે.ઉપરાંત શહેરની વિવિધ ચાલીઓ અને સોસાયટીઓમાં લોકભાગીદારીથી ૭૦-૨૦-૧૦ યોજના હેઠળ કરવામાં આવેલા વિકાસકામ પેટે ૧૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવા પણ સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે.

માર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે.લગભગ બે વર્ષના સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલ ઉપરાંત શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.બે વર્ષ દરમ્યાન મ્યુનિ.તંત્ર તરફથી કોવિડ સારવાર પેટે ૬૦૦ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.સરકાર તરફથી મ્યુનિ.તંત્રે કોરોનાના દર્દીઓની સારવાર પાછળ કરેલ ખર્ચ સામે વખતોવખત રકમની ચૂકવણી પણ કરવામાં આવી છે.આમ છતાં હજુ ૨૪૫ કરોડ જેટલી રકમ સરકાર પાસેથી લેવાની નીકળતી હોવાથી આ રકમ સત્વરે આપવા મ્યુનિ.તંત્ર તરફથી સરકારમાં લેખિત રજુઆત કરવામાં આવી છે.

શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ ચાલીઓ ઉપરાંત સોસાયટી તથા ગામતળ વિસ્તારમાં મ્યુનિ.તંત્ર તરફથી કેન્દ્ર ઉપરાંત રાજય સરકાર ની સિત્તેર ટકા ગ્રાન્ટની રકમ ઉપરાંત વીસ ટકા મ્યુનિ.તંત્રના તેમજ દસ ટકા લોકફાળાની મદદથી રસ્તા,પાણી,ગટરની લાઈન ઉપરાંત પથ્થર પેવિંગ સહીતના વિકાસકામો હાથ ધરવામાં આવે છે.થોડા સમય પહેલા પૂર્વ કમિશનરે આ યોજના હેઠળ ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્ય આ યોજના હેઠળ તેમને મળતી ગ્રાન્ટમાંથી રકમ ફાળવી શકશે એ પ્રમાણેનો પરિપત્ર કર્યો હતો.જો કે મ્યુનિ.તંત્રે આ પરિપત્ર પહેલા મ્યુનિ.તરફથી આ યોજના હેઠળ કરવામાં આવેલા વિકાસકામો પેટે સરકાર પાસેથી લેવાની નીકળતી ૧૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવા પણ રજુઆત કરી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે.

સતત બીજા વર્ષે મ્યુનિ.બજેટ ઉપર કોરોનાની અસર જોવા મળશે

અમદાવાદમાં કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે મ્યુનિ.તંત્રમાં વર્ષ-૨૦૨૨-૨૩ના નવા નાણાંકીય વર્ષના બજેટ રજુ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.૭ જાન્યુઆરીએ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું નવા વર્ષ માટેનું ડ્રાફટ અંદાજપત્ર શાસનાધિકારી રજુ કરવા જઈ રહ્યા છે.૯૦૦ કરોડની આસપાસની રકમનું આ અંદાજપત્ર હોવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક ડ્રાફટ બજેટ જાન્યુઆરીના બીજા પખવાડીયામાં મ્યુનિસિપલ કમિશનર રજુ કરે એવી ધારણા છે.સતત બીજા વર્ષે પણ મ્યુનિ.બજેટ ઉપર કોરોનાની અસર જોવા મળશે.જરુરી હશે એવા પ્રોજેકટને પ્રાધાન્ય અપાશે.આ વર્ષ વિધાનસભા ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનો ઉપર નવા કરવેરા નાંખવાથી પણ સત્તાધારી પક્ષ દુર રહેશે એમ મનાઈ રહ્યુ છે.

કોંગ્રેસે મ્યુનિ.તંત્રના પચાસ લાખ રુપિયા બચાવ્યા

વર્ષ-૨૦૨૧ના ફેબુ્આરીની વીસ તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.એક વર્ષ પુરુ થવા આવ્યુ હોવા છતાં હજુ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ વિપક્ષનેતાની નિમણૂંક કરી શકી નથી.મ્યુનિ.માં વિપક્ષનેતાને તેમના વ્યકિતગત ત્રીસ લાખના વાર્ષિક બજેટ ઉપરાંત વધારાના વીસ લાખ એમ કુલ મળી પચાસ લાખનું વાર્ષિક બજેટ ફાળવવામાં આવતુ હોય છે.મ્યુનિ.ના નિયમ મુજબ,૩૧ જાન્યુઆરી સુધીમાં દરેક કોર્પોરેટરે તેમને મળતા વાર્ષિક બજેટની ગ્રાન્ટની રકમ વિકાસકામ માટે ફાળવવાની હોય છે.કોંગ્રેસમાં હજુ દુર દુર સુધી વિપક્ષનેતા કોણ બનશે એ જોવા મળતુ નથી.વિપક્ષનેતાની નિમણૂંક થશે ત્યાં સુધીમાં વાર્ષિક બજેટ લખવાની સમયમર્યાદા પણ નીકળી ગઈ હશે.આ કારણથી કોંગ્રેસે મ્યુનિ.તંત્રના પચાસ લાખ રુપિયા બચાવ્યા હોવાની ચર્ચા મ્યુનિ.વર્તુળોમાં સાંભળવા મળી રહી છે.