ઇકો ગાડીના સાયલેન્સરની માટીની ખરીદી કરનાર ફૈઝાનની ધરપકડ
ફૈઝાને ૧૬ કિલો માટી ૨.૭૨ લાખમાં ખરીદી હતી
વડોદરા, તા.19 ઇકો ગાડીના ચોરી થયેલા સાયલેન્સરની કિંમતી માટી ખરીદનાર ઉત્તર પ્રદેશના શખ્સને પણ પોલીસે ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાર્ક કરેલી ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી થઇ હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતાં. આ અંગે શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બે શખ્સોને ઝડપી પાડી ૧૨ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતાં ઇકોના સાયલેન્સરમાં કિંમતી માટી હોવાથી તેની ચોરી કરી તેમાંથી માટી કાઢી દિલ્હી તરફ રહેતા ફૈઝાન ઉર્ફે ફૈઝલ નામના શખ્સને વેચી દઇએ છીએ તેમ જાણવા મળ્યું હતું.
દરમિયાન પોલીસે ફૈઝાનને ઝડપી પાડવા માટે ક્વાયત હાથ ધરી હતી અને ફૈઝાન માટી લેવા માટે જેતલપુરરોડ રેલવે ઓવરબ્રિજ પાસે આવવાનો છે તેવી માહિતીના આધારે વોચ ગોઠવીને મોહંમદ ફૈઝાન ઉર્ફે ફૈઝલ ઇકરામુદ્દીન મલીક (રહે.અલીએહમદનગર, મેરઠ, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે સાયલેન્સરની ૧૬ કિલો માટી રૃા.૨.૭૨ લાખમાં ખરીદી હતી.