ગુજરાત 'સત્તાવાર' કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? : ભારે વિસંગતતા
-આજે ગુજરાતનો ૬૩મો સ્થાપના દિવસ
-ગુજરાતની સ્થાપના વખતે ૭૨૧૩૭ ચોરસ માઇલ વિસ્તાર દર્શાવાયો હતો, જ્યારે હવે ૭૫૬૮૫ ચોરસ માઇલ છે
અમદાવાદ, શનિવાર
૧૫ ફેબુ્રઆરી
૧૯૪૮ના જામનગરના લાલ બંગલામાં સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે કાઠિયાવાડના સંયુક્ત રાજ્યનું
ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું હતું કે, 'કચ્છ-સૌરાષ્ટ્ર
સહિત સમગ્ર ગુજરાતી પ્રજા એક તંત્રમાં એકત્ર થાય તેવી મારી અભિલાષા છે.' સરદાર વલ્લભભાઇ
પટેલનું આ ભવ્ય સ્વપ્ન આજથી બરાબર ૬૩ વર્ષ અગાઉ ૧ મે ૧૯૬૦ના સાકાર થયું. આજે ગુજરાતનો
૬૩મો સ્થાપના દિવસ છે ત્યારે તે કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તેને લઇને વિસંગતતા
જોવા મળી રહી છે.
૧ મે ૧૯૬૧ના ગુજરાત
સરકારના સામાયિક 'ગુજરાત' માં રજૂ કરવામાં આવેલી વિગત અનુસાર ગુજરાત રાજ્યનો વિસ્તાર
૭૨૧૩૭ ચોરસમાઇલનો છે, તે ભારતના પશ્ચિમ કિનારે ૨૦.૧ અને ૨૪.૭ અંશ ઉત્તર અક્ષાંસ તેમજ
૬૮.૪ અને ૭૪.૪ અંશ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. બીજી તરફ હાલમાં ગુજરાત રાજ્યની સત્તાવાર
વેબસાઇટમાં જોવામાં આવે તો ગુજરાત રાજ્ય ૧,૯૬,૦૨૪ સ્ક્વેર કિલોમીટર એટલે કે ૭૫,૬૮૫
સ્ક્વેર માઇલ છે. આમ, ગુજરાત કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તેને લઇને વિસંગતતા જોવા
મળે છે.
આમ, ગુજરાતની
સ્થાપના વખતે તેનો વિસ્તાર ગણવામાં થાપ ખવાઇ હતી કે કેમ તે બાબતે ઈતિહાસવિદોમાં ચર્ચા
જગાવી છે. ઈતિહાસવિદ્ ડો. રિઝવાન કાદરીના જણાવ્યા પ્રમાણે, 'ગુજરાત સરકાર દ્વારા ૧
મે ૧૯૬૧ના રજૂ કરવામાં આવેલી વિગત અનુસાર રાજ્યનો વિસ્તાર ૭૨૧૩૧ ચોરસમાઇલનો હતો જ્યારે
હાલ સત્તાવાર વેબસાઇટમાં ૭૫૬૮૫ સ્ક્વેર માઇલ દર્શાવાય છે. આમ, ગુજરાત હકીકતમાં કેટલા
વિસ્તારમાં ફેલાયેલું છે તે એક સંશોધન માગી લે તેવો વિષય છે. '
જાણકારોના મતે
ભૂતકાળમાં ગુજરાત તેના પ્રાદેષિક અને ભાષાકીય એવા બે જુદા જુદા અર્થ થતા હતા. પ્રથમ
અર્થમાં તેમાં આબુ પર્વત અને દમણગંગા નદી વચ્ચેના પ્રદેશનો સમાવેશ થતો હતો. જ્યારે
બીજા અર્થમાં જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તે વિસ્તારો તેવો અર્થ થતો હતો. ભાષાકીય
બાજુએ, ગુજરાતની સીમાઓ ઉત્તરમાં શિરોહી અને મારવાડથી વિસ્તરીને હાલ પાકિસ્તાનના થર
તેમજ પારકર જિલ્લાઓ સહિત પશ્ચિમમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણમાં થાણા જિલ્લા -બૃહદ મુંબઇના
દ્વિભાષી પ્રદેશ સુધી પહોંચતી સાંકડી પટ્ટી, પૂર્વમાં અરવલ્લી પર્વતથી ધરમપુર સુધી
પહોંચતી હતી.
'ગુજરાતના પાટનગર
સુધી પહોંચવા પાકો રસ્તો પણ નથી'
ગુજરાત રાજ્યની
સ્થાપના થઇ ત્યારે પાટનગર તરીકે કોની પસંદગી કરવી તેને લઇને વિવિધ અટકળોએ વેગ પકડયો
હતો. પાટનગર બનાવવા માટે જે નામ ચર્ચાયા તેમાં
અમદાવાદ, વડોદરા, ભરૃચ, રાજકોટ, આણંદ, મહેસાણાનો પણ સમાવેશ થતો હતો. એ વખતે 'ગુજરાત'
અંકના એક લેખમાં ટિપ્પણી હતી કે, 'જે સ્થળ પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું છે, ત્યાં
હાલમાં તો ખેતરો-વાડીઓ-વગડો છે, તેની બાજુમાં સાબરમતી નદી વહે છે. એ સ્થળે પહોંચવા
અત્યારે પાકો રસ્તો પણ નથી. '
ગુજરાતની સ્થાપના
થઇ ત્યારે...
: વસતી ૨.૦૬ કરોડ
હતી. જેમાં ૧.૦૬ કરોડ પુરુષ, ૯૯.૮૦ લાખ મહિલાઓનો સમાવેશ થતો હતો.
: સરેરાશ માથાદીઠ
આવક રૃપિયા ૩૩૯ હતી.
: સાક્ષરતા દર
૩૦.૪૫% હતો.
: કુલ ૩૯૧૧ ફેક્ટરી
હતી.