DPS અને ઉદગમ સહિતની ટોપ સ્કૂલોની નવી ફી મંજૂર : 5 ટકાનો વધારો
DPS બોપલ સકૂલે ઉ.મા.માં 70 ટકાનો વધારો માંગ્યો હતો : પણ 81 હજાર ફી મંજૂર
અમદાવાદ : અમદાવાદ ઝોનની સ્કૂલ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા શહેરની કેટલીક ટોપ સ્કૂલોની નવી ફી મંજૂર કરવામા આ છે. જેમાં ડીપીએસ બોપલ, સત્વ વિકાસ, ઉદગમ અને ઝેબર સ્કૂલનો સમાવેશ થાય છે. સ્કૂલોએ ઘણો ફી વધારો માંગ્યો હતો પરંતુ 5થી10 ટકા સુધી ફી વધારો મંજૂર થયો છે.
શૈક્ષણિક વર્ષ 2021-22 માટે મર્યાદા કરતા વધુ ફી ધરાવતી અને વધુ ફી માંગનારી સ્કૂલોની દરખાસ્તો-ડોક્યુમેન્ટના આધારે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નવી ફી મંજૂરીની પ્રક્રિયા કરવામા આવી છે. જેમાં સત્વ વિકાસ સ્કૂલની પ્રાથમિકથી માંડી માધ્યમિક સુધીના ધોરણોની 1.68 લાખ ફી મંજૂર કરાઈ છે જ્યારે ઉચ્ચતર માધ્યમિકની 1.45 લાખ ફી નક્કી કરાઈ છે.
ઝેબર સ્કૂલની પ્રિ પ્રાયમરીની 52000, પ્રાથમિકની 64 હજાર, માધ્યમિકની 70 હજાર, ઉ.માધ્યમિકની 70 હજાર ફી તેમજ ઉદગમની પ્રાથમિકની 86 હજાર, ઉ. પ્રાથમિકની 72 હજાર, માધ્યમિકની 55 હજાર, ઉ.મા.ની 87 હજાર તેમજ ડીપીએસ બોપલની પ્રિ પ્રાયમરીની 69,500, પ્રાથમિકની 69500, ઉ. પ્રાથમિકની 69500 ,માધ્યમિકની 73 હજાર અને ઉ.મા.ની 81 હજાર ફી મંજૂર કરવામા આવી છે.
મહત્વનું છે કે ડીપીએસ બોપલ સ્કૂલે ઉચ્ચતર માધ્યમિકમાં 70 ટકાનો ફી વધારો માંગતા સાયન્સની હયાત 77175 રૂપિયા ફી સામે 1,30,900 રૂપિયા ફી માંગવામા આવી હતી.જો કે ફી કમિટી દ્વારા 81 હજાર રૂપિયા ફી મંજૂર કરવામા આવી છે. અન્ય ધોરણોમાં 60 ટકાનો વધારો મંગાયો હતો.મોટી ટોપ સ્કૂલોએ ઘણો ફી વધારો માંગ્યો હતો પરંતુ ફી કમિટી દ્વારા પાંચ ટકા સુધીનો ફી વધારો અપાયો છે.