જમીન સંપાદનના વળતરના કેસોના ઝડપી નિકાલ કરવા ત્રણ જજ નિયુક્ત
- અમદાવાદ, સુરત ને રાજકોટમાં નિવૃત્ત જજના કોર્ટમાં જમીન સંપાદનના વળતરના કેસોનો નિકાલ કરશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર
જમીન સંપાદનના વળતરન ેલગતા કેસોનો ઝડપી નિકાલ કરવા માટે અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે જિલ્લા કક્ષાના ત્રણ નિવૃત્ત જજની નિમણૂક કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.
આ સાથે જ શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ વધારાની ફાજલ જાહેર કરેલ જમીનો સંબંધે સત્તાનું વિકેંદ્રીકરણ કરવા કલેકટરોને તેને લગતા ના વાંધા પ્રમાણપત્ર-નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા માટે વધારાની સત્તા આપવામાં આવી છે. તદુપરાંત મહેસૂલી કર્મચારીઓની ખાતાકીય તપાસ હેઠળના કેસોના નિકાલ માટે લોક અદાલત જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જાહેરાત મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે કરી છે.
કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જમીન સંપાદનના 2013 ના કાયદા હેઠળ સંપાદન કરવામાં આવતી જમીનનું વળતર નક્કી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ 23 હેઠળ નિયત કરવામાં આવેલ વળતરની રકમથી કોઇ ખેડૂત ખાતેદાર અથવા હિતધારકોને અસંતોષ હોય તો કલમ 64 હેઠળ વધારાના વળતર માટે રેફરન્સ અરજી કરવાની જોગવાઇ છે.
અગાઉ જમીન સંપાદન કાયદામાં આવી વધારાના વળતર સંબંધી અરજીઓ જિલ્લા અદાલત સમક્ષ કરવાની જોગવાઇ હતી જેનો નિકાલમાં ઘણો સમય વ્યતિત થતો હતો. આ રેફરન્સ હવે નવા કાયદા હેઠળ રચવામાં આવેલી ઓથોરીટી સમક્ષ કરવાના થાય છે. ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજને નિયુક્ત કરી ખાસ અદાલત રચવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં આ કોર્ટ ચાલશે.
રાજયના ખેડૂતોને રેફરન્સ અરજીઓના સંદર્ભે દૂર દૂરથી ગાંધીનગર અથવા અમદાવાદ સુધી આવવું ન પડે તે માટે આ ઓથોરીટી જ ફકત વળતર સંબંધી કેસોનો જ નિકાલ કરશે. પરિણામે જમીન સંપાદના વળતરને લગતા કેસોનો ઝડપથી નિકાલ થશે. લોકોને દૂર દૂર સુધી ધક્કા ખાવા પડશે નહિ. ગુજરાતના સુગ્રથિત વિકાસ માટે જમીન સંપાદનના વળતરના પ્રશ્નને લગતી પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે.
આ નિર્ણયના કારણે સંપાદન થતી ખેડૂતોના વળતર સંબંધી પ્રશ્નો સંદર્ભે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ઝડપથી નિકાલ થશે. શહેરી જમીન -ટોચ મર્યાદા અને નિયમન- અધિનિયમ, 1976 અંતર્ગત રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજ્કોટ, જામનગર અને ભાવનગર શહેરી સંકુલોમાં ટોચ મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતી વ્યક્તિઓએ ભરેલા ડેકલેરેશન ફોર્મ સંબંધે કલમ 8(4) થી કલમ 10(6) સુધીની કાયદાની કાર્યવાહી હાથ ધરી વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો સરકાર હસ્તક કબજો સંભાળવામાં આવતો હતો.
અત્યાર સુધી જે કેસોમાં કાયદાની કલમ 10(3) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલી હોય અને વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેવા કેસો સાથે સંબંધીત જ્મીનોને ના વાંધા પ્રમાણપત્ર- નો ઓબ્જેક્શન આપવા અંગેનો આખરી નિર્ણય કરવાની કાર્યવાહી સરકાર કક્ષાએથી કરવામાં આવતી હતી.
મહેસૂલી ક્રાંતિ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા 22 જેટલી સેવાઓ ઓનલાઇન કરીને વહીવટી કાર્ય પદ્ધતિમાં ઝડપ અને પારદર્શક્તા લાવવામાં આવી છે. તે સંદર્ભે ના વાંધા પ્રમાણપત્ર આપવાની કામગીરીમાં ઝડપ અને સરળતા માટે રાજ્ય સરકારે સત્તાનું વિકેંદ્રીકરણ કરીને કલેકટરશ્રીઓને નીચે મુજબની વધુ સત્તા આપવા માટે નિર્ણય કરેલ છે.
નિવૃત્ત જજની જિલ્લા કોર્ટમાં કયા કેસોનો નિકાલ કરાશે ?
અધિનિયમ હેઠળ જે કેસોમાં કાયદાની કલમ 10(5) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય પરંતુ વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેમજ કોઇ કોર્ટ લીટીગેશન થયેલ ન હોય તેવા કેસોનો નિકાલ કરવામાં આવશે.
અધિનિયમની કલમ 20 અન્વયેની ખેતી મુક્તિ અને કલમ 21 અન્વયેની આવાસ યોજના અંગેના પ્રકરણોમાં જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય અને કોઇ કોર્ટ કેસ થયેલ ન હોય ઉપર મુજબના બન્ને કેસોમાં આખરી નિર્ણય કરવાની સત્તા કલેકટરશ્રીઓને આપવામાં આવી છે.
કર્મચારી સેવા વિષયક કેસોનો પણ લોકઅદાલતમાં ઝડપી નિકાલ કરાશે
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.17.07.2020 થી લોકઅદાલત જેવું તંત્રની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.
જે અન્વયે મહેસૂલ વિભાગના 33 જિલ્લા કલેકટરશ્રીઓ કક્ષાએ, સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રી, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પશ્રી તથા નોંધણી સર નિરીક્ષકશ્રીની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ 36 ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે.
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાની સમિતિઓમાં જે તે જિલ્લાના કલેકટર તથા નજીકના અન્ય બે જિલ્લાના કલેકટરઓ એમ કુલ 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના ખાતાની સમિતિમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પસ તથા જિલ્લા કલેકટર ગાંધીનગર એમ કુલ 3 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.
ખાતાના વડાઓ હસ્તકના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસમાં જો વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીને હળવી કે ભારે શિક્ષા માટે આરોપનામું બજવેલ હોય ત્યારે તેઓ આરોપનામા સંબંધમાં તેમની રજુઆત ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે
. ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા લેવાયેલ નિર્ણય જો કર્મચારીને માન્ય હોય તો તે મુજબ હુકમો કરીને કેસોના નિકાલ કરી શકે છે. આમ, તેમના કેસનો શિસ્ત અધિકારી અને કર્મચારીની પરસ્પરની સંમતિથી સત્વરે નિકાલ આવી શકશે.કર્મચારીને ખાતાકીય તપાસની લાંબી પ્રક્રીયામાંથી મુક્તિ મળી શકશે.