અમદાવાદ જિલ્લામાં ગુરૂવારે કોરોનાના વધુ 14 કેસ નોંધાયા
- ધંધૂકામાં છેલ્લા દશ દિવસમાં નવા 26 કેસ નોંધાયા
- જિલ્લામાં રિકવરી રેટ 87 ટકાએ પહોંચ્યોઃ હાલમાં ફક્ત 111 કેસ એક્ટિવ હોવાનો તંત્રનો દાવો
અમદાવાદ,તા.30 જુલાઇ 2020, ગુરૂવાર
અમદાવાદ જિલ્લામાં ગુરૂવારે કોરોના સંક્રમણના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. આ દિવસે ૮ તાલુકામાં નવા ૧૪ કેસ નોંધાયા હતા. વિરમગામમાં ૪, સાણંદ, ધોળકામાં ૨-૨, ધંધૂકામાં ૩, બાવળા, દસક્રોઇ અને માંડલમાં ૧-૧ કેસ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૧,૨૬૨ કેસમાંથી હાલમાં એડમીટ એક્ટીવ કેસ ૧૧૧ હોવાનો તંત્રનો દાવો છે.
વિરમગામમાં ધકડી ગામથી બે કેસ મળી આવ્યો હતા તેમજ મોટા ભાટ વાડો માંથી બે કેસ ગુરૂવારે નોંધાયા પામ્યા હતા. ધંધૂકામાં માલીવાડ, મહાલક્ષ્મીનગર અને માલીવાડના નાકેથી કોરોના સંક્રમણના નવા કેસ મળ્યા હતા. સાણંદમાંથી પણ બે કેસ મળી આવ્યા હતા.
ધોળકામાં જલાલપુરમાં કાસિન્દ્રાવાસમાંથી અને શક્તિ સોસાયટીમાંથી બે કેસ મળી આવ્યા હતા. દસક્રોઇમાં જેતલપુર ગામેથી પણ કેસ મળ્યો હતો. માંડલમાં પાશ્વનાથ સોસાયટી અને બાવળામાંથી કેસ મળ્યા હતા.
ધંધૂકામાં સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા દશ દિવસમાં ધંધૂકામાંથી ૨૬ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. નોંધપાત્ર છેકે જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં રાખવામાં ધંધૂકા તાલુકો મોખરે હતો હવે આ તાલુકામાં પણ સંક્રમણ દિનપ્રતિદીન વધતું જઇ રહ્યું છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
જિલ્લા માટે સારી બાબત એ રહી છેકે જિલ્લામાં રિકવરી રેટ ૮૭ ટકા જેટલો ઉંચો છે. જેથી અત્યાર સુધીમાં કોરોના સંક્રમણમાં સપડાયેલા ૧,૦૯૩ લોકો સાજા થઇ ગયા છે.